વહીવટી નિષ્ક્રિયતા, અસંવેદનશીલતા અને તંત્રની પોતાની ભૂલનો ભોગ સામાન્ય નાગરિકોને બનાવવાની માનસિકતા સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. જમીન સુધારણા સચિવ અને ચીફ કન્ટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી તરીકે ફરજ બજાવતા સિનિયર આઈએએસ અધિકારી બીજલ શાહ દ્વારા વિલંબના આધારે અરજદારની રિવિઝન અરજી યાંત્રિક રીતે રદ કરી દેવાતાં જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈએ તેમની ભારે ઝાટકણી કાઢી હતી. ગઈકાલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અધિકારીના વલણ પ્રત્યે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. સરકારી તંત્રની પોતાની ટપાલ મોકલવાની ઢીલને કારણે નાગરિક દંડાયા હોવાનું સ્પષ્ટ થતાં કોર્ટે અધિકારી સામે પૂર્વ-સૂચિત રૂ. 1 લાખનો અંગત દંડ વધારીને રૂ.2 લાખ કેમ ન વસૂલવો તે અંગે સખ્ત શબ્દોમાં સવાલ કર્યા હતા.
IAS બીજલ શાહનો HCએ લીધો ઉધડો
હાઈકોર્ટે તેમને એક અઠવાડિયાની મુદત આપતા કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ મુકરર કરી હતી.આ વિવાદની શરૂઆત સુતરીયા સ્વાતિ મિતેશ અને અન્ય એક અરજદાર દ્વારા દાખલ કરાયેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનથી થઈ હતી.અરજદારોએ વડોદરાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા સ્ટેમ્પ ડયુટી ભરવા બાબતે 1 ઓક્ટોબર 2025ના રોજ પસાર કરવામાં આવેલા હુકમને ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ 53 હેઠળ રિવિઝન અરજી કરીને 4 એપ્રિલ 2026ના રોજ પડકાર્યો હતો.પરંતુ ચીફ કન્ટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી દ્વારા 180દિવસની સમયમર્યાદા 30 માર્ચ 2026ના રોજ પૂરી થઈ ગઈ હોવાનું કહીને આ અરજી ફગાવી દેવામાં આવી હતી.
સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે નારાજગી
અગાઉની સુનાવણી વખતે આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર દ્વારા રજૂ કરાયેલા રેકોર્ડ પરથી ખુલાસો થયો હતો કે, ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ પોતે જ આ ઓર્ડર 18 ઓક્ટોબર 2025ના રોજ પોસ્ટ ઓફિસમાં ડિસ્પેચ કર્યો હતો. જે અરજદારોને 21 ઓક્ટોબર 2025ના રોજ મળ્યો હતો.અરજદારોએ પોતાને ઓર્ડર મોડો મળ્યો હોવાની રજૂઆત કરી હોવા છતાં મહેસૂલ ઓથોરિટીએ ડિસ્પેચની વાસ્તવિક તારીખ ચકાસવાની વ્યવહારુ તસ્દી લીધી નહોતી. અધિકારીઓના આવા યાંત્રિક વલણને કારણે નાગરિકોએ અદાલતોના બિનજરૂરી ધક્કા ખાવા પડે છે તે નોંધતાં જસ્ટિસ દેસાઈએ અગાઉ મૂળ ઓર્ડર આપનાર અધિકારી બીજલ શાહને તેમની વ્યક્તિગત સમતામાં પક્ષકાર તરીકે જોડવાની મંજૂરી આપી હતી.કોર્ટે આ મામલે 31 ઓગસ્ટ 2026ની મુદત આપતાં સરકારી વકીલોની સેવાનો ઉપયોગ કરવા કે તારીખ પે તારીખ માંગવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકી દીધો હતો.
