Surat News : કચરાના નિકાલની સુવિધા ઉભી કરો, લોકોની રોજગારી બંધ ના થવી જોઈએ: ધારાસભ્ય કુમાર કાનાણીનો પત્ર

📅 Published: September 1, 2026 | 📂 Category: Surat

સ્વચ્છતામાં નંબર વનનો દાવો કરતા સુરત શહેરમાં હોટફિક્સ કચરાના ઢગલા હવે પાલિકા તંત્ર માટે માથાનો દુખાવો બની ગયા છે. હોટફિક્સ કચરાના નિકાલને લઈ સ્થાનિકોનો રોષ, શાસક પક્ષની રજૂઆતો અને વિપક્ષના વિરોધ વચ્ચે આરોગ્ય વિભાગે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. અગાઉ 1061 હોટફિક્સ યુનિટોને નોટિસ આપ્યા બાદ સોમવારથી ઝુંબેશરૂપે તપાસ શરૂ કરાઈ હતી. સોમવારે વરાછામાં 791, કતારગામમાં 121, સરથાણામાં 18, લિંબાયતમાં 63 મળીને વધુ 993 યુનિટોને નોટિસ ફટકારાઈ હતી. દરમિયાન પુણા-સીતાનગરમાં હોલસેલ ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી સામે ભારે વિરોધ થતાં હોબાળો મચી ગયો હતો.

હોટિક્સ કચરો

પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની યોગ્ય સુવિધા ઊભી થવી જોઈએ

સુરતમાં પાલિકા માટે હોટ ફિક્સ પ્લાસ્ટિક કચરો મોટો માથાનો દુખાવો બન્યો છે. જેમાં છેલ્લી ઘડીએ જાગેલી પાલિકા દ્વારા લોકોના ધંધા બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને આકરી નારાજગી વ્યક્ત કરી છે. ધારાસભ્યએ સ્પષ્ટ જણાવ્યું છે કે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની યોગ્ય સુવિધા ઊભી થવી જોઈએ પરંતુ સામાન્ય લોકોની રોજગારી બંધ થવી જોઈએ નહીં. કારણ કે છેલ્લા ચાર વર્ષથી વરાછા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પરિવર્તિત થઈ રહ્યો હોવા છતાં અધિકારીઓએ સમયસર કેમ કોઈ કાર્યવાહી ન કરી અને રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓને કેમ ફૂલવા-ફાલવા દીધી તે મોટો સવાલ છે.

હોટિક્સ કચરો સુરત

બેદરકારીના કારણે જ આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ

વધુમાં ધારાસભ્યએ વહીવટી તંત્રના અધિકારીઓ પર પ્રહાર કરતા કહ્યું કે આ સ્થિતિ અધિકારીઓની ભૂલના કારણે સર્જાઈ છે અને હવે અચાનક મશીનો બંધ કરાવવા એ કોઈ કાયમી ઉકેલ નથી, કારણ કે આ વિસ્તારમાં લાખો લોકોની રોજગારી ઊભી થઈ ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉ મેયરના ઘરે જે લોકોએ કચરો નાખ્યો હતો તે જ લોકો પાંચ વર્ષ સુધી આ વિસ્તારમાં કોર્પોરેટર હતા અને તેમણે ક્યારેય આ કચરા બાબતે અવાજ ન ઉઠાવ્યો, પરંતુ હવે તેઓ બેનર લઈને વિરોધ કરે છે, જ્યારે વાસ્તવમાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે જ આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : મુંબઈ એરપોર્ટ પર 72.22 લાખની વિદેશી કરન્સી સાથે બે મુસાફરો ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *