રિક્ષાચાલકોનો ત્રાસ છતા ઈ-ટ્રાફિક પોલીસની કાર્યવાહી નહીં:કાલુપુર રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રોડ પરના લારી- ગલ્લા દૂર કરાયા

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા રી-ડેવલપમેન્ટ કામકાજ વચ્ચે ટ્રાફિકની ગંભીર સમસ્યાને પગલે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે મેગા ડ્રાઈવ હાથ ધરી છે. આજે (1 સપ્ટેમ્બર) સવારે એસ્ટેટ વિભાગની ટીમે બેથી વધુ દબાણ વાહનો સાથે ત્રાટકીને સ્ટેશન બહાર કાલુપુર ચાર રસ્તાથી આઉટ ગેટ સુધીના રોડ પરથી લારી-ગલ્લાં અને ટેબલ-ખુરશી સહિતના દબાણો હટાવી લીધા હતા. દબાણો દૂર કરી ટ્રાફિકની સુગમતા પુનઃસ્થાપિત કરવા માટે હવે આ વિસ્તારમાં સતત આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. રીડેવલપમેન્ટ કામકાજ વચ્ચે ટ્રાફિકની સમસ્યા વધતાં કાર્યવાહી
રાજ્યના સૌથી મોટા રેલવે સ્ટેશનોમાં સ્થાન ધરાવતા કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ હાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. મુસાફરોની સતત અવરજવર વચ્ચે રોડ પર લારી-ગલ્લાંના ગેરકાયદે દબાણો ખડકાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાતો હતો. જે અંગેની ફરિયાદો વધતાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે અચાનક દરોડો પાડી રોડ પર અડચણરૂપ તમામ અસ્થાયી દબાણો સાફ કરી દીધા હતા. રિક્ષાચાલકોના ત્રાસ સામે કડક પોલીસ કાર્યવાહીની માગ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માત્ર લારી-ગલ્લાં જ નહીં પરંતુ રોડ પર ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેતા રિક્ષાચાલકોના કારણે પણ ભારે ટ્રાફિક સર્જાય છે. AMC દ્વારા રોડ પરથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ ઘટનાસ્થળે ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં બેફામ રિક્ષાચાલકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોની માંગ છે કે ઈ-ટ્રાફિક પોલીસ પણ આ વિસ્તારમાં રિક્ષાચાલકો સામે કડક ઝુંબેશ હાથ ધરે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *