Surat સિવિલમાં ફરી રેગિંગ વિવાદ, સર્જરી વિભાગમાંથી ડીનને મળી નનામી અરજી, હોસ્પિટલ તંત્ર દોડતું થયું!

📅 Published: September 1, 2026 | 📂 Category: Surat

સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતની ઘટના બાદ સિવિલ તંત્ર રેગિંગ મામલે અત્યંત એલર્ટ મોડ પર છે, ત્યાં વધુ એક રેગિંગની ફરિયાદ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના સર્જરી વિભાગમાંથી ડીન ઓફિસે એક નનામી અરજી દ્વારા ગંભીર ફરિયાદો કરવામાં આવી છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે “વિભાગમાં કામનો બોજ વધુ રહે છે, રજા આપવામાં આવતી નથી, અભ્યાસમાં તકલીફ પડી રહી છે અને સિનિયર ડોક્ટરો દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવે છે.”

ડીનની અધ્યક્ષતામાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની મોડી રાત સુધી બેઠક

ગત 27 ઓગસ્ટની સાંજે ડીન ઓફિસે આ નનામી પત્ર મળતાં જ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સૌપ્રથમ સર્જરી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ તુરંત જ એન્ટી રેગિંગ કમિટીની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. અરજીમાં કરાયેલા આક્ષેપો અંગે મોડી રાત સુધી કમિટીના સભ્યો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

Surat Civil Hospital 01

રેગિંગ થયાના કોઈ પુરાવા મળ્યા નથી

મોડી રાત સુધી ચાલેલી લાંબી બેઠક અને પ્રાથમિક તપાસ બાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલની તપાસ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ થયું હોય તેવા કોઈ પ્રત્યક્ષ પુરાવા મળી આવ્યા નથી. તેમ છતાં, ભૂતકાળની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સર્જરી વિભાગના વાતાવરણ અને રેસિડેન્ટ ડોક્ટરોની કામગીરી પર સતત દેખરેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *