જન્માષ્ટમીના તહેવાર પહેલાં પોરબંદર LCB દ્વારા સામાન્ય જનતાના આરોગ્ય સાથે સંકળાયેલી ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છાયા ગાંધીઆશ્રમ પાસે ભાડાના મકાનમાં શંકાસ્પદ રીતે ઘી તૈયાર કરી તેનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભાડાના મકાનમાંથી શંકાસ્પદ જથ્થો મળ્યો
LCBની ટીમે બાતમીના આધારે છાયા ગાંધીઆશ્રમની બાજુમાં ધીરુભાઈ નાગાભાઈ ઓડેદરાના ભાડાના મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નાગાજણ અરજણભાઈ દાસા (ઉંમર ૫૦ વર્ષ), રહે. છાયા ગાંધીઆશ્રામ પાસે, પોરબંદર મળી આવ્યો હતો. મકાનના રૂમમાં તપાસ કરતાં 15 કિલોની ક્ષમતાના કુલ 9 ડબ્બામાં આશરે 135 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. આ ઉપરાંત FRESHICO વનસ્પતિ ઘીના 15 કિલોના કુલ 49 બોક્સમાંથી આશરે 734 કિલો વનસ્પતિ ઘીનો જથ્થો પણ મળી આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે સેમ્પલ લઈ જથ્થો સીલ કર્યો
શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા LCB દ્વારા તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર વી.જે. ભાટુ દ્વારા જરૂરી સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 135 કિલો શંકાસ્પદ ઘી અને 734 કિલો વનસ્પતિ ઘીનો સમગ્ર જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. હવે લેબોરેટરી તપાસના રિપોર્ટ બાદ ઘીની ગુણવત્તા અને તેમાં ખરેખર ભેળસેળ કરવામાં આવી હતી કે નહીં તે અંગેની વધુ હકીકતો સામે આવશે. એક શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી
સમગ્ર મામલે નાગાજણ અરજણભાઈ દાસા વિરુદ્ધ ફૂડ સેફ્ટી તથા ડ્રગ્સ સંબંધિત કાયદા હેઠળ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા જથ્થા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જન્માષ્ટમી નજીક હોવાથી બજારમાં ઘીની માંગ વધતી હોય છે. આવા સમયે છાયા વિસ્તારમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી અને વનસ્પતિ ઘી મળી આવતા સમગ્ર મામલે ખળભળાટ મચ્યો છે. હવે તપાસમાં એ પણ મહત્વનું બનશે કે આ શંકાસ્પદ ઘી ક્યાં તૈયાર કરવામાં આવતું હતું, કોને અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેમજ અગાઉ આ પ્રકારનો કેટલો જથ્થો બજારમાં પહોંચ્યો છે. લેબ રિપોર્ટ બાદ વધુ હકીકતો સામે આવશે
જન્માષ્ટમી પહેલાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયા બાદ હવે પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગની તપાસ પર સૌની નજર છે. જપ્ત કરાયેલા ઘીના સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ બાદ તેમાં કયા પ્રકારની ભેળસેળ હતી અને આ જથ્થો ક્યાં ઉપયોગમાં લેવાવાનો હતો તે અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. LCB દ્વારા જિલ્લામાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના ઉત્પાદન તથા વેચાણ સામે નજર રાખી આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવાની માહિતી આપવામાં આવી છે. અગાઉ પણ નકલી ખાદ્યપદાર્થો સામે LCBની કાર્યવાહી
પોરબંદર LCB દ્વારા અગાઉ પણ લોકોના આરોગ્યને અસર કરી શકે તેવી ભેળસેળયુક્ત અને નકલી ચીજવસ્તુઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા કુંભારવાડામાંથી બનાવટી ઘી તૈયાર કરી વેચાણ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી. આ ઉપરાંત કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા સામેના વાડામાંથી બનાવટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી પણ ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ટીમ્બીનેશ ગામમાંથી શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોરબંદરમાં ફરી ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ:છાયા ગાંધીઆશ્રમ પાસેથી 135 કિલો શંકાસ્પદ ઘી સહિત 734 કિલો વનસ્પતિ ઘી સીલ
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
