આદ્રીમાં જન્માષ્ટમી: 250 ફૂટ અમરનાથ ગુફા મુખ્ય આકર્ષણ:સોમનાથ કલાકૃતિ, બાર જ્યોતિર્લિંગ પ્રદર્શન સાથે બે દિવસીય લોકમેળો

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

વેરાવળ તાલુકાના આદ્રી ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે બે દિવસીય ધાર્મિક અને સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 3 અને 4 ઓગસ્ટના રોજ યોજાશે, જેમાં 250 ફૂટ લાંબી બાબા અમરનાથની બરફીલી ગુફાની પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણ રહેશે. આદ્રી ગામના અગ્રણી અને સોમનાથના પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, જન્માષ્ટમી પર્વને યાદગાર બનાવવા માટે 250 ફૂટ લાંબી બાબા અમરનાથની બરફીલી ગુફાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ભાવિકોને આ કૃત્રિમ ગુફામાંથી પસાર થવાનો અને બરફ પર ચાલવાનો અનુભવ મળશે. ગુફા અને મેળા પરિસરમાં અન્ય આકર્ષક પ્રદર્શન પોઈન્ટ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. તેમાં ગામડાની જીવંત ઝાંખી, ગૌશાળા, તળાવ, પહાડ, ઝૂલતો પુલ અને ભગવાન શ્રીકૃષ્ણના ઝૂલાની સુંદર પ્રતિકૃતિનો સમાવેશ થાય છે. આ આયોજન તમામ વયજૂથના મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને કરાયું છે. આ વર્ષે કાર્યક્રમમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભાવનાને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. મેળાના અન્ય મુખ્ય આકર્ષણોમાં “સોમનાથ મંદિર કલાકૃતિ પ્રદર્શન” અને “બાર જ્યોતિર્લિંગ પ્રદર્શન”નો સમાવેશ થાય છે. આ પ્રદર્શનો દ્વારા મુલાકાતીઓને સોમનાથ મંદિરની ભવ્યતા, તેની કલા અને કોતરણી તેમજ દેશના પવિત્ર બાર જ્યોતિર્લિંગોના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વથી માહિતગાર કરવામાં આવશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ગૌરવશાળી વારસા અને સ્વાભિમાન પર્વની ભાવનાને જન્માષ્ટમીના લોકમેળા સાથે જોડીને નવી પેઢી સુધી ભારતીય ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ અને કલાત્મક વારસો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બે દિવસીય કાર્યક્રમ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આદ્રી ગામના ગ્રામજનો દ્વારા આસપાસના ગામો સહિત સમગ્ર વિસ્તારના ભાવિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી બાબા અમરનાથની બરફીલી ગુફાના દર્શન, સોમનાથ મંદિર અને બાર જ્યોતિર્લિંગના વિશેષ પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક લોકમેળાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *