Ahmedabad News : દેવદૂત બન્યા રેલવે કર્મચારી, ચાલુ ટ્રેને લપસેલા આધેડને ટેક્નિશિયને મોતના મુખમાંથી ખેંચી લીધો…

📅 Published: September 1, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બનતાં અટકી ગઈ છે. જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં ચડતી વખતે એક આધેડ વયના મુસાફરનો અચાનક પગ લપસી ગયો હતો. ટ્રેને ગતિ પકડી હોવાના કારણે મુસાફર પોતાનું સંતુલન ગુમાવી બેઠો હતો અને પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચેની ભયાનક જગ્યામાં સરકી જવાની અણી પર હતો. આ દ્રશ્ય જોઈને પ્લેટફોર્મ પર ઉપસ્થિત અન્ય મુસાફરોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

રેલવે ટેક્નિશિયન મહેશ પરમાર બન્યા દેવદૂત

મુસાફરને મોતના મુખમાં સરકતો જોઈને ત્યાં નજીકમાં જ ફરજ પર તૈનાત રેલવે કર્મચારી અને ટેક્નિશિયન મહેશ પરમારે સેકન્ડના છઠ્ઠા ભાગમાં અપાર હિંમત અને સમયસૂચકતા દર્શાવી હતી. તેમણે પોતાની જાનની પરવા કર્યા વિના ત્વરિત દોડીને આધેડને પ્લેટફોર્મ તરફ જોરથી ખેંચી લીધા હતા અને સહીસલામત બહાર કાઢ્યા હતા. મહેશ પરમારની આ જાંબાઝી અને ત્વરિત નિર્ણયશક્તિને કારણે આધેડનો અકલ્પનીય રીતે જીવ બચી ગયો હતો.

સમગ્ર ઘટનાના હૃદયધબકાવતા CCTV સામે આવ્યા

આ સમગ્ર રોમાંચક અને હૃદયધબકાવતી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે એક નાની ભૂલ આધેડ માટે જીવલેણ સાબિત થઈ રહી હતી અને કેવી રીતે રેલવે કર્મચારી મહેશ પરમારે દેવદૂત બનીને તેમનો જીવ બચાવ્યો હતો. આ બહાદુરીના કામ બદલ રેલવે પ્રશાસન તેમજ સ્થાનિક લોકો દ્વારા મહેશ પરમારની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે, સાથે જ રેલવે તંત્રએ મુસાફરોને ચાલુ ટ્રેને ન ચડવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : અધૂરો બ્રિજ અને પૂરો દેખાડો, અમદાવાદ મનપાની ‘ગજબ’ કારીગરી, બ્રિજનું કામ બાકી છતાં કલરકામ ચાલુ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *