ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા બે અલગ-અલગ જુગારધામ પર દરોડા પાડીને કુલ 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે અડાલજ નજીક પોર ગામની સીમમાંથી અને ગાંધીનગરના ગ-2 સર્કલ પાસે દરોડો પાડીને જુગારીઓને કુલ 45 હજારથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લઈ શ્રાવણિયા જુગારનું ભૂત ઉતારી દઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. પોર ગામની સીમમાં જુગાર અડ્ડા પર રેઈડ
ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે. જે. રાઠોડની ટીમને અડાલજ હદ વિસ્તારમાં આવેલ પોર ગામની સીમમાં સરકારી બોર કૂવા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોર ગામના સુનિલ રામભાઇ પટેલ અને નાસીરહુસેન યાસીનમીંયા મલેક તેમજ અમદાવાદના ઘાટલોડિયાના બીપીનભાઇ ચંદ્રકાન્તભાઇ શાહ અને ચાંદખેડાના વિનુભાઇ મણીલાલ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી કુલ રૂ. 30 હજારની રોકડ રકમ તથા ગંજીપાના કબ્જે કરી અડાલજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. 8 જુગારીઓની ધરપકડ, 45 હજારથી વધુની રોકડ જપ્ત
એજ રીતે ક્રાઈમ બ્રાંચની ટીમે સેક્ટર-7 વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગ-2 સર્કલ પાસે આવેલા સુરભી કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ પર રેડ કરી હતી. ત્યાંથી જુગાર રમતા કુડાસણના કલ્પેશ શંકરભાઈ પટેલ, માણસાના અમરપુરા ખરણાના નારણસિંહભાઈ સોમાભાઈ ચૌધરી, સેક્ટર-6બીના ગોવિંદજી માનાજી વાઘેલા અને સેક્ટર-24ના અશોકભાઈ મફતલાલ શર્માને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ. 15,650ની રોકડ રકમ અને ગંજીપાના જપ્ત કરી સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે. આમ બે અલગ-અલગ સ્થળેથી કુલ રૂ. 45 હજારથી વધુની રોકડ રકમ સાથે 8 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં એક જ દિવસે 2 જુગારઅડ્ડા ઝડપાયા:પોર ગામની સીમ અને ગ-2 સર્કલ નજીકથી 8 જુગારીઓની ધરપકડ, 45 હજારથી વધુની રોકડ જપ્ત
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
