Madhya Pradesh : ખેડૂતો માટે બનાવાયા 20 લાખથી વધુ ATM કાર્ડ પણ માત્ર 2.5 લાખ કાર્ડ જ એક્ટિવ

📅 Published: September 1, 2026 | 📂 Category: India National

મધ્યપ્રદેશમાં ખેડૂતોને બેન્કિંગ સુવિધાઓ સાથે જોડવા માટે તૈયાર કરાયેલા ATM કાર્ડ હવે સવાલોના ઘેરામાં આવ્યા છે. સહકારી બેન્કોએ મોટી સંખ્યામાં ATM કાર્ડ તૈયાર કરાવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના કાર્ડ ખેડૂતો સુધી પહોંચી શક્યા નથી. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આશરે 23 લાખ ખેડૂતો સહકારી બેન્કોમાંથી લોન લે છે, જ્યારે 20 લાખથી વધુ ATM કાર્ડ તૈયાર કરાવવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધી માત્ર આશરે 2.5 લાખ કાર્ડ જ ખેડૂતોને આપવામાં આવ્યા છે.

₹23 કરોડથી વધુ ખર્ચનો દાવો

મધ્યપ્રદેશના અપેક્સ બેન્ક અને 38 જિલ્લા સહકારી બેન્કોમાં ATM કાર્ડની ખરીદી પાછળ આશરે ₹23 કરોડથી વધુનો ખર્ચ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 19.5 લાખ ATM કાર્ડ ખરીદવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી માત્ર 2.5 લાખ જેટલા કાર્ડ જ એક્ટિવેટ થઈ શક્યા છે. આ સ્થિતિને કારણે મોટી સંખ્યામાં કાર્ડનો ઉપયોગ ન થવા અંગે સવાલો ઊભા થયા છે. જો આ કાર્ડ સમયસર ખેડૂતો સુધી નહીં પહોંચે તો તેના પર કરવામાં આવેલો સરકારી ખર્ચ બિનઉપયોગી જવાની આશંકા છે.

કેટલાક ATM કાર્ડ હવે પોતાની વેલિડિટી પૂર્ણ થવાની નજીક

આ મામલે સૌથી મોટી ચિંતા એ કાર્ડને લઈને છે, જે હજુ સુધી ખેડૂતોને આપવામાં આવ્યા નથી. જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2022-23માં ખરીદાયેલા કેટલાક ATM કાર્ડ હવે પોતાની વેલિડિટી પૂર્ણ થવાની નજીક છે. જો આ કાર્ડની વેલિડિટી પૂરી થઈ જશે તો તેનો ખેડૂતો માટે ઉપયોગ કરવો મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ફરીથી નવા કાર્ડ તૈયાર કરાવવા પડી શકે છે, જેના કારણે સરકારી નાણાંનો વધારાનો ખર્ચ થવાની શક્યતા છે.

38 સહકારી બેન્કોને હતી જવાબદારી

રાજ્યની 38 જિલ્લા સહકારી બેન્કોની આશરે 825 શાખાઓ મારફતે ATM કાર્ડ ખેડૂતો સુધી પહોંચાડવાના હતા. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સરળતાથી બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. જોકે, કાર્ડ તૈયાર થયા બાદ પણ તેનું વિતરણ અપેક્ષા મુજબ થઈ શક્યું નથી.

મંત્રીએ આપ્યા તપાસના આદેશ

મામલો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના સહકાર મંત્રી વિશ્વાસ સારંગે તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં ATM કાર્ડની વાસ્તવિક જરૂરિયાત કેટલી હતી, મોટી સંખ્યામાં કાર્ડ બનાવવાનો નિર્ણય કયા આધારે લેવાયો અને લાખો કાર્ડ ખેડૂતો સુધી કેમ ન પહોંચ્યા તે અંગે તપાસ કરવામાં આવશે. મંત્રીએ કહ્યું છે કે તપાસમાં જે પણ દોષી સાબિત થશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ?

બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે આ મામલાને કૌભાંડ ગણાવી સરકારની ટીકા કરી છે. તેમણે સરકાર પાસે તપાસની સાથે જવાબદારો સામે વાસ્તવિક કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે મુખ્ય સવાલ એ છે કે ખેડૂતોની જરૂરિયાતની જાણકારી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં ATM કાર્ડ શા માટે તૈયાર કરાવવામાં આવ્યા અને ખેડૂતો સુધી કાર્ડ પહોંચાડવામાં આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ.

આ પણ વાંચો : Nepal Floods: નેપાળના પૂર બાદ બિહારની ગંડક નદીમાં મોટી માછલીઓ તણાઇ, માછલીઓ ખાવા સામે ચેતવણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *