ઉધના-મગદલ્લા રોડ પર હાઈવોલ્ટેજ ડ્રામા:વૃક્ષ પર ચઢી આપઘાતનો પ્રયાસ કરતી મહિલા કેનાલમાં પટકાઈ, BRTS ડ્રાઈવરની સતર્કતા બાદ ફાયર ટીમે રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડી

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરના ઉધના-મગદલ્લા રોડ પર મંગળવારે બપોરે એક અજાણી મહિલા ઝાડ પર ચઢી આપઘાતનો પ્રયાસ કરવા જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બીઆરટીએસ બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બૂમો પાડતાં મહિલા ગભરાટમાં સીધી કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી મહિલાનું રેસ્ક્યુ કરી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. બીઆરટીએસ ડ્રાઈવરે મહિલાને જોઈ બસ રોકી
ઉધના-મગદલ્લા રોડ પર આવેલી યુનિક કેર હોસ્પિટલ સામે બીઆરટીએસ કોરિડોર નજીક એક ઘટાદાર વૃક્ષ આવેલું છે. મંગળવારે બપોરના સુમારે એક અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર આ વૃક્ષ પર ચઢી ગઈ હતી અને નીચે કૂદવાની કોશિશ કરી રહી હતી. તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી બીઆરટીએસ બસના સતર્ક ડ્રાઈવરની નજર મહિલા પર પડી હતી. ડ્રાઈવરે તાત્કાલિક બસ ઊભી રાખી દીધી હતી અને મહિલાને નીચે કૂદતી અટકાવવા માટે જોરજોરથી બૂમો પાડી હતી. જોકે, અચાનક થયેલી બૂમાબૂમથી ગભરાઈ ગયેલી મહિલાનું સંતુલન બગડતાં તે સીધી કેનાલમાં પટકાઈ હતી. ઊંચાઈ પરથી કેનાલમાં પટકાતાં મહિલા બેભાન થઈ
ઊંચા વૃક્ષ પરથી સીધી કેનાલમાં પટકાતાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈને બેભાન થઈ ગઈ હતી. આ ઘટનાના પગલે બીઆરટીએસ કોરિડોર અને આસપાસના માર્ગ પર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે ફાયર કંટ્રોલ રૂમ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ફાયર વિભાગે ત્વરિત રેસ્ક્યુ કરી હોસ્પિટલ મોકલી
ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર જવાનોએ કેનાલમાં ઉતરીને સ્થાનિક નાગરિકોની મદદથી બેભાન મહિલાને હેમખેમ બહાર કાઢી હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલા ક્યાંની છે અને તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *