ધારાસભ્ય સંગીતા પાટીલે CM સમક્ષ કરી રજૂઆત:મીઠી, કોયલી અને ભેદવાડ ખાડીના પૂરથી લીંબાયતને મળશે મુક્તિ, ઓક્ટોબર મહિનાથી કામગીરી શરૂ થવાની CMની ખાતરી

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

સુરતના લીંબાયત વિધાનસભા વિસ્તારમાં ચોમાસા દરમિયાન વારંવાર સર્જાતી ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિના કાયમી નિરાકરણ માટે સ્થાનિક ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય રજૂઆત કરી છે. લીંબાયત મતવિસ્તાર હેઠળ આવતી મીઠી ખાડી, કોયલી ખાડી અને ભેદવાડ ખાડીમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાથી હજારો રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ જટિલ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ લાવવા માટે સરકાર કક્ષાએથી નક્કર પગલાં લેવાય તે હેતુથી આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. 5 વોર્ડના કોર્પોરેટરો સાથે બેઠકમાં જોડાયા
ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ રાજ્યના નાણાં મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં લીંબાયત વિધાનસભા વિસ્તાર હેઠળ આવતા સંબંધિત વોર્ડ નંબર 18, 19, 25, 26 અને 27 ના તમામ સ્થાનિક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ જનપ્રતિનિધિઓએ સંયુક્ત રીતે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને ચોમાસામાં જળબંબાકાર થતી પરિસ્થિતિની વિગતવાર વિગતો સરકાર સમક્ષ મૂકી હતી. ચોમાસામાં હજારો નાગરિકો વેઠે છે મુશ્કેલી
લીંબાયતના મોટાભાગના વિસ્તારો નીચાણવાળા હોવાથી ભારે વરસાદ દરમિયાન મીઠી, કોયલી અને ભેદવાડ ખાડીના પાણી બેક મારીને સોસાયટીઓ અને ઘરોમાં ઘૂસી જાય છે. જેના કારણે સ્થાનિક નાગરિકોના જનજીવનને મોટો ફટકો પડે છે અને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. વર્ષો જૂની આ પૂરની સમસ્યાનો કાયમી અને ટેકનિકલ ઉકેલ લાવવા માટે ખાડીનું વિસ્તૃતીકરણ, સફાઈ અને વોટર ડ્રેનેજ સિસ્ટમને સુવ્યવસ્થિત કરવા માટે તાત્કાલિક અસરથી ફંડ અને મંજૂરી ફાળવવાની માંગ કરવામાં આવી હતી. ઓક્ટોબરથી કામગીરી શરૂ કરવાની સરકારની બાંહેધરી
આ રજૂઆતને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા અત્યંત સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે લીંબાયતની આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપીને કાયમી નિરાકરણ લાવવા માટે જરૂરી તમામ કામગીરી હાથ ધરવાની સંપૂર્ણ ખાતરી આપી છે. આગામી ઓક્ટોબર માસ દરમિયાન જ આ દિશામાં નક્કર કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. સરકારના આ સકારાત્મક વલણથી લીંબાયતના હજારો રહીશોને પૂરની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળવાની આશા બંધાઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *