Maharashtra : FDAની મોટી કાર્યવાહી, મુંબઈની 2 હોટલ અને અકોલામાં Blinkit સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું

📅 Published: September 1, 2026 | 📂 Category: India National

મહારાષ્ટ્રમાં ખાદ્ય અને પીણાની વસ્તુઓની સુરક્ષાને લઈને FDA (Food and Drug Administration)એ કડક કાર્યવાહી કરી છે. વિભાગે મુંબઈની બે હોટલ અને અકોલામાં Blinkitના એક સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું છે. તપાસ દરમિયાન સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ, કર્મચારીઓની હાઈજીન અને અન્ય ખાદ્ય સુરક્ષા નિયમોમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. આ ઉપરાંત સાંગલીમાં યોગ્ય રીતે સંગ્રહ ન કરાયેલું 165 લીટર દૂધ જપ્ત કરીને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું હતું.

અકોલામાં Blinkit સેન્ટરની સ્થિતિ ખરાબ

અકોલામાં Blink Commerce Private Limited (Blinkit)ના સ્ટોર પર તપાસ દરમિયાન અનેક ખામીઓ મળી આવી હતી. તપાસ ટીમને ફ્રીઝરના પ્લાસ્ટિક પડદા ફાટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ખાદ્ય અને પીણાની વસ્તુઓને નોન-ફૂડ સામગ્રી સાથે એક જ રેકમાં રાખવામાં આવી હતી. કેટલીક ખાદ્ય વસ્તુઓ તો સીધી જ જમીન પર ધૂળ અને કચરા વચ્ચે પડેલી મળી હતી. વિભાગે અગાઉ 12 ઓગસ્ટે સુધારા માટે ચેતવણી આપી હતી. જોકે, ત્યારબાદ પણ સ્થિતિમાં સુધારો ન થતાં 31 ઓગસ્ટે સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું.

મુંબઈની બે હોટલ સામે કાર્યવાહી

મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલી ‘દિલ્હી સ્વીટ એન્ડ ભેલપુરી હાઉસ’માં તપાસ દરમિયાન ફ્રીઝરમાં ખાદ્ય સામગ્રી સાથે કાચા ઈંડા રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. ઉપરાંત રસોઈ માટે દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાની માહિતી પણ મળી હતી. રસોડાની દિવાલો પર ભેજ અને ગંદકી જોવા મળી હતી.

કુર્લા વેસ્ટની ‘ગુલઝાર મોહમ્મદી હોટલ’માં પણ સ્વચ્છતાની સ્થિતિ સંતોષકારક ન હતી. હાઇજીન તપાસમાં હોટલને 100માંથી માત્ર 24 માર્ક્સ મળ્યા હતા. રસોડાની દિવાલો પર તેલનું જાડું પડ જમેલું હતું અને નાળીઓ પણ ગંદી હતી. કર્મચારીઓએ ગ્લવ્સ અને હેડગિયર પહેર્યા નહોતા. આ ખામીઓના પગલે બંને હોટલના લાઈસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા.

સાંગલીમાં 165 લીટર દૂધ નષ્ટ

સાંગલીના મિરજમાં આવેલા ‘મયક્કા મિલ્ક કલેક્શન સેન્ટર’માં પણ ગંભીર બેદરકારી સામે આવી હતી. અહીં 120 લીટર ગાયનું અને 43 લીટર ભેંસનું દૂધ કોઈ કૂલિંગ વ્યવસ્થા વિના ચાર કલાકથી વધુ સમય સુધી સામાન્ય રૂમમાં રાખવામાં આવ્યું હતું. દૂધનો રેકોર્ડ પણ રજિસ્ટરમાં નોંધાયેલો નહોતો. ઉપરાંત અગાઉ સીલ કરાયેલી ક્રીમ કાઢવાની મશીનની સરકારી સીલ તૂટેલી મળી હતી. લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે તેવા આ 165 લીટર દૂધને FDAની ટીમે સ્થળ પર જ નષ્ટ કરાવ્યું. FDAએ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવું તમામ ફૂડ બિઝનેસ માટે ફરજિયાત છે. તપાસમાં ગંભીર ખામીઓ મળતા ત્રણ સ્થળોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Air Vice Marshal Shakti Sharmaએ રચ્યો નવો ઈતિહાસ, ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *