Ahmedabadની EbixCash સાથે રૂ.40 લાખનો વિશ્વાસઘાત, પોતાના જ સેલ્સ મેનેજરે બોગસ KYCથી કંપનીને ફટકાર્યો મોટો ચૂનો!

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી મની એક્સચેન્જ કંપની ‘EbixCash World Money Limited’ સાથે રૂ. 40.08 લાખની મોટી છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી દેવેન્દ્રસિંહ ગોહિલ સામે કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી કર્મચારીએ વિવિધ કોર્પોરેટ કંપનીઓના નામે ખોટી રીતે વિદેશી કરન્સી મેળવીને પોતાની જ કંપનીને મોટો આર્થિક ફટકો માર્યો છે.

બોગસ KYC અને 16 ફેક ઈનવોઈસથી આચરાઈ ઠગાઈ

આ સમગ્ર કૌભાંડ ઓક્ટોબર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન આચરવામાં આવ્યું હતું. આરોપી દેવેન્દ્રસિંહ ગોહિલે એવી વ્યક્તિઓના નામે KYC દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેઓ વાસ્તવમાં સંબંધિત કોર્પોરેટ કંપનીઓમાં નોકરી કરતા જ નહોતા. આ બોગસ દસ્તાવેજોના આધારે તેણે અલગ-અલગ કંપનીઓના નામે 16 જેટલા ઈનવોઈસ પ્રોસેસ કરાવીને રૂ. 40,08,941 ની કિંમતની વિદેશી કરન્સી મેળવી લીધી હતી.

પેમેન્ટ ન આવતાં ભોપાળું બહાર આવ્યું: પોલીસ તપાસ શરૂ

ઈનવોઈસ પ્રોસેસ થયા બાદ લાંબા સમય સુધી રકમનું પેમેન્ટ ન આવતાં કંપની શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. EbixCash કંપનીના પ્રતિનિધિઓએ જ્યારે સંબંધિત કોર્પોરેટ કંપનીઓનો સંપર્ક કર્યો, ત્યારે તે કંપનીઓએ આવા કોઈ ઈનવોઈસ કે વિદેશી કરન્સીની ખરીદી અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. કર્મચારી ગોહિલે આચરેલી છેતરપિંડી ખુલ્લી પડતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodara News : ઈ-સિગરેટના રૂ.10 લાખના રેકેટનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધાર SOGના સકંજામાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *