Vadodara News : ઈ-સિગરેટના રૂ.10 લાખના રેકેટનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધાર SOGના સકંજામાં

📅 Published: September 2, 2026 | 📂 Category: Baroda

વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા રૂ.10 લાખની ગેરકાયદેસર ઈ-સિગરેટના રેકેટમાં કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત 21 ઓગસ્ટના રોજ SOGની ટીમે દરોડો પાડીને ભારે માત્રામાં ઈ-સિગરેટનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડા સમયે મુખ્ય સૂત્રધાર સેફાન મેમણ અને આવેશ પટેલ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જેમને શોધવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા હતા અને આખરે બંનેને ઝડપી પાડ્યા છે.

રૂ.5 હજારના માસિક પગારે નોકર રાખી ચલાવતા હતા નેટવર્ક

પોલીસ તપાસમાં આરોપીઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સેફાન અને આવેશ પોતે પડદા પાછળ રહીને આખું નેટવર્ક સંભાળતા હતા અને કાનૂની કાર્યવાહીથી બચવા માટે માત્ર રૂ.5,000 ના માસિક પગારે નોકરો રાખ્યા હતા. આ નોકરો મારફતે જ શહેરમાં ગેરકાયદેસર ઈ-સિગરેટનું છૂટક વેચાણ અને વિતરણ કરવામાં આવતું હતું, જેથી મુખ્ય આરોપીઓ સુધી પોલીસ સરળતાથી પહોંચી ન શકે.

ફરાર આરોપીઓ જેલભેગા: સપ્લાય ચેઈન શોધવા તપાસ તેજ

દરોડા પછી બંને આરોપીઓ સતત પોલીસથી બચવા નાસતા ફરતા હતા, પરંતુ SOG ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે સેફાન મેમણ અને આવેશ પટેલને દબોચી લીધા છે. બંને આરોપીઓની ધરપકડ બાદ હવે SOG દ્વારા આ ઈ-સિગરેટનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને વડોદરામાં આ કાળાબજારીમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : તંત્રની લોલમલોલથી જીવ ગુમાવતાં બચ્યા અમદાવાદીઓ! ગુપ્તા નગર પાસે ધડામ દઈએને પડ્યો સિગ્નલનો થાંભલો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *