ગાંધીનગરના ઇન્ફૉસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં સ્પે. પોક્સો કોર્ટના એડી. સેશન્સ જજ એસ. વી. શર્માએ આરોપી કમલેશકુમાર સુભાષભાઈ મોડીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 22 હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ભોગબનનાર પીડિતાને ₹ 4 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. આરોપી સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો
23 જુલાઈ 2024ના રોજ અપોલો સર્કલ ખાતેથી આરોપી કમલેશકુમાર મોડીયાએ 17 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી સગીરાને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભવાનપુર ગામે એક ઓળખીતાના ઘરે લઈ ગયો હતો. આરોપીએ સગીરાની નાની વયનો લાભ ઉઠાવ્યો
જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવાર-નવાર શારીરિક સંબંધ બાંધી ગંભીર ગુનો આચર્યો હતો. આ ઘટના અંગે ભોગ બનનારના પિતાએ ઈન્ફૉસીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે, આરોપીએ સગીરાની નાની વયનો લાભ ઉઠાવી લલચાવી ફોસલાવીને આ ખરાબ કૃત્ય કર્યું છે. સમાજમાં આવા વધતા ગુનાઓ સામે દાખલો બેસે અને લોકો ગુનો કરતા અટકે તે માટે આરોપીને સખતમાં સખત સજા કરવાની માંગ કરવામાં આવી હતી. પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો
જે અન્વયે કોર્ટે તમામ પુરાવા અને દલીલો ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા સાથે 22 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. તદુપરાંત પીડિતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ:પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા સ્પે.પોક્સો કોર્ટનો આદેશ, ગાંધીનગરના એપોલો સર્કલથી સગીરાનું અપહરણ કર્યું હતું
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
