Gujarat News : લાલચોળ સોસ પાછળ નફાખોરીનો ખેલ? ગુજરાતમાં નકલી સોસના કારોબારથી ખળભળાટ

📅 Published: September 2, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતના મેગા સિટી અમદાવાદ અને સુરતમાં નકલી ટામેટા સોસનો સરેઆમ કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ટામેટાના નામે માત્ર કેમિકલયુક્ત કલર અને પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો સોસ શહેરોમાં લારી-ગલ્લાં અને નાની હોટેલો સુધી પહોંચાડીને નફાખોરીનો ખેલ રમાઈ રહ્યો છે. આ મામલે સુરતના ફૂડ સ્ટોલ સંચાલકોએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે તેઓ પોતાના ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ISI માર્ક્સ ધરાવતા અથવા કોઈ એક ચોક્કસ ભરોસાપાત્ર સ્થળેથી જ સોસ ખરીદે છે, જો ભેળસેળની જાણ થાય તો તુરંત જ માલ લેવાનું બંધ કરી દે છે. જોકે, બજારમાં સસ્તા ભાવે મળતા આ ‘લાલચોળ’ સોસના કારણે ગ્રાહકોના હેલ્થ સામે ગંભીર જોખમ ઊભું થયું છે.

ગુજરાતમાં વાર્ષિક રૂ.200 કરોડથી વધુનો કારોબાર

સમગ્ર ગુજરાતમાં નકલી સોસનો આ કાળો કારોબાર વાર્ષિક રૂ. 200 કરોડથી પણ વધુનો હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. વડોદરામાં જ્યારે સોસની ગુણવત્તા અંગે સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા. કેટલાક દુકાનદારોએ કબૂલ્યું હતું કે તેઓ જાતે જ સોસ તૈયાર કરે છે કારણ કે માર્કેટમાં મળતા મોટા ભાગના સોસ કૃત્રિમ રંગો અને કેમિકલથી જ બનાવવામાં આવે છે. બીજી તરફ ગ્રાહકોએ પણ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે અત્યારે બજારમાં ચારેય તરફ મિલાવટનું સામ્રાજ્ય છે અને સરેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રની જેમ કડક એક્શનની માગ

સોસના નામે ઝેર પીરસતા આ કૌભાંડ સામે ફૂડ સેફ્ટી વિભાગની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા અને અમદાવાદના સ્થાનિક લોકો તેમજ ગ્રાહક મંડળોએ માંગ કરી છે કે મહારાષ્ટ્ર સરકારની તર્જ પર ગુજરાત સરકારે પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે અત્યંત કડક કાયદાકીય એક્શન લેવા જોઈએ. જ્યાં સુધી સરકારી તંત્ર કડક ઝુંબેશ ન ચલાવે ત્યાં સુધી ગ્રાહકોએ પણ જાગૃત બનીને અજાણી કે સ્થાનિક બ્રાન્ડ્સના મિલાવટી સોસ ખાવાથી દૂર રહેવું અને પોતાના સ્વાસ્થ્યની જાતે કાળજી લેવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો : Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *