ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે ઘરનું ઘર:રાજકોટ મનપાનો 38,000 આવાસ બનાવવા લક્ષ્યાંક, રાજ્ય સરકારની મંજૂરી બાદ 15,000 આવાસ માટેની કામગીરી શરૂ થશે, દર વર્ષે 4000 આવાસ બનશે

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન વસતીમાં થઈ રહેલા ગતિશીલ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે પોતાના ઘરનું સ્વપ્ન પૂરું કરવું પડકારજનક બનતું જાય છે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલા આવાસ હાલ વધતી જરૂરિયાત સામે ઓછા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું અને પોષાય તેવા ભાવે ઘરનું ઘર મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ અને પ્રજાલક્ષી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વિશાળ આવાસ યોજનાના અમલીકરણથી શહેરના હજારો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ભાડાના મકાનમાંથી મુક્તિ મળશે અને તેમને આર્થિક તેમજ સામાજિક સ્તરે મોટો ટેકો મળી રહેશે. આ યોજના અંગે વિગતો આપતાં આવાસ યોજના સમિતિના ચેરમેન દિલીપ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સૌને ઘર’ના સંકલ્પને રાજકોટમાં સાકાર કરવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા કુલ 38,000 નવા આવાસ નિર્માણ કરવાનો એક ભવ્ય લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલના આધારે આગળ ધપાવવામાં આવશે. જે અંતર્ગત મહાપાલિકા દ્વારા ખાનગી બિલ્ડરોને આવાસ નિર્માણ માટે કુલ 45 જેટલા પ્લોટ ફાળવવામાં આવશે, જેના પરિણામે મહાનગરપાલિકાના તિજોરી પર કોઈ જ વધારાનો આર્થિક બોજ પડશે નહીં અને કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકશે. આ સમગ્ર લક્ષ્યાંક પૈકી પ્રથમ તબક્કા હેઠળ 15,000 આવાસ બનાવવાની મંજૂરી મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ યોજનામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અંગત રસ લઈ મેયર ડો. નેહલ શુક્લને ગાંધીનગર બોલાવ્યા છે. આજે સીએમ સાથેની બેઠકમાં લીલીઝંડી મળતા જ મનપાના એન્જિનિયરિંગ તંત્રે પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરવા સહિતની પ્રાથમિક પ્રક્રિયાઓ કરવામાં આવશે. આ યોજના પાછળ અંદાજે રૂ. 2000 કરોડ જેટલો માતબર ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જોકે મનપા ઉપર કોઈ આર્થિક બોજ પડશે નહીં. દિલીપ લુણાગરિયાએ આ આયોજનની વધુ માહિતી આપતાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અગાઉ 30 હજાર આવાસનો લક્ષ્યાંક અપાયો હતો. જેને વધારીને હવે 38 હજાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મનપા દ્વારા દર વર્ષે 4000 જેટલા આવાસ તૈયાર કરવા માટે આયોજન ઘડવામાં આવ્યું છે. આ રીતે આયોજનબદ્ધ કામગીરી કરીને પ્રથમ 15,000 કરતા વધુ આવાસ 4થી 5 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી લેવામાં આવશે, જેથી લોકોને સમયસર મકાનનો કબજો મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, શહેરી વિકાસની પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે વર્ષ 2026-27ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂ. 464 કરોડના ખર્ચે નવી અલગ-અલગ 7 આવાસ યોજનાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અનુસંધાને હાલમાં 3170 આવાસના બાંધકામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં પણ વિવિધ અનુભવી એજન્સીઓએ રસ દાખવ્યો છે. હાલમાં આ તમામ ટેન્ડરોની ચકાસણી અને પ્રક્રિયા ટેન્ડર મૂલ્યાંકન સમિતિ સમક્ષ આખરી તબક્કામાં કાર્યરત છે. ટેન્ડર મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી તરફથી લીલીઝંડી મળતા જ સ્થળ પર બાંધકામ શરૂ કરવામાં આવનાર છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *