જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન સંબંધિત વિવિધ રૂટો પર વિશેષ ભાડા પર 4 જોડી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ટ્રેનોમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ રહેશે. સ્પેશિયલ ટ્રેનોની વિગતો અનુસાર, ટ્રેન નંબર 09527 રાજકોટ-દ્વારકા સ્પેશિયલ 3 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાજકોટથી 00:30 વાગ્યે ઊપડી 05:50 વાગ્યે દ્વારકા પહોંચશે, જ્યારે પરત દિશામાં ટ્રેન નંબર 09528 દ્વારકાથી 06:50 વાગ્યે ઊપડી 12:00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા રોકાશે. બીજી ટ્રેન નંબર 09522/09521 દ્વારકા-ગાંધીનગર કેપિટલ વચ્ચે 3, 4 અને 5 સપ્ટેમ્બર દરમિયાન 3-3 ફેરા કરશે. દ્વારકાથી સવારે 06:50 વાગ્યે ઊપડી સાંજે 17:00 વાગ્યે ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગરથી રાત્રે 20:00 વાગ્યે ઊપડી બીજા દિવસે સવારે 05:50 વાગ્યે દ્વારકા પહોંચશે. આ ટ્રેન ભાટિયા, ખંભાળિયા, કનાલુસ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી કેબિન સ્ટેશનો પર ઊભી રહેશે. ત્રીજી ટ્રેન નંબર 09533/09534 રાજકોટ-દ્વારકા-રાજકોટ વચ્ચે 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન 4-4 ફેરા કરશે. રાજકોટથી રાત્રે 20:00 વાગ્યે ઊપડી બીજા દિવસે 01:20 વાગ્યે દ્વારકા પહોંચશે અને દ્વારકાથી રાત્રે 01:50 વાગ્યે ઊપડી સવારે 06:25 વાગ્યે રાજકોટ પહોંચશે. જ્યારે ચોથી ટ્રેન નંબર 09228/09227 બોટાદ-સુરેન્દ્રનગર વચ્ચે 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન 5-5 ફેરા કરશે. બોટાદથી બપોરે 12:10 વાગ્યે ઊપડી 13:40 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચશે અને સુરેન્દ્રનગરથી 14:05 વાગ્યે ઊપડી 15:45 વાગ્યે બોટાદ પહોંચશે. રાજકોટનાં જંગલેશ્વર, લલુડી વોંકળી, સાગરનગરનાં 163 વિસ્થાપિતોને મનપા આવાસ ફાળવશે રાજકોટ મહાપાલિકા દ્વારા જંગલેશ્વર ડિમોલિશનમાં બેઘર બનેલા વિસ્થાપિતો ઉપરાંત સાગરનગર, બેટ દ્વારકા અને લલુડી વોંકળીના વિસ્થાપિતોને આવતીકાલે આવાસની ફાળવણી કરવામાં આવશે. આવાસની ટેકનિકલ શાખાનાં 12 ઓગસ્ટના ઠરાવ મુજબ વિવિધ સ્લમ વિસ્તારના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અલગ અલગ સ્થળોએ આવાસ અપાશે. જેમાં સાગરનગર ફેઝ-1 અને બેટ દ્વારકાના 27 વિસ્થાપિતોમાંથી ગોકુલ નગરમાં 10 અને રવિશંકર મહારાજ ટાઉનશીપ ખાતે 17 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવશે. આ ઉપરાંત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરનારા જંગલેશ્વરના 42 વિસ્થાપિતો અને લલુડી વોંકળીના 92 વિસ્થાપિતોને વીર તાત્યાટોપે ટાઉનશીપ (સ્માર્ટઘર-4)માં આવાસ અપાશે. અગાઉ 22 નવેમ્બર 2025ના રોજ થયેલા ડ્રોમાં સોરઠીયાવાડી સર્કલ સાઇટ (સ્માર્ટઘર-4) ખાતે 11 માળે આવાસ મેળવનાર 2 દિવ્યાંગ અરજદારોના ઘર રદ કરી તેઓને પ્રથમ માળે આવાસની ફાળવણી કરવામાં આવશે. રાજકોટનાં વોર્ડ નં. 2માં મનપાના કિંમતી પ્લોટમાંથી ઝૂંપડાંના દબાણો અંતે દૂર કરાયા રાજકોટના 150 ફૂટ રિંગરોડ નજીક આવેલા સિનર્જી હોસ્પિટલ રોડ પર વોર્ડ નં. 2માં નાઇન સ્ક્વેર બિલ્ડિંગના કોર્નર પાસે આવેલા મનપાના કરોડો રૂપિયાના ખુલ્લા પ્લોટમાંથી ટીપી વિભાગ દ્વારા દબાણ હટાવવા કામગીરી કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરોએ આ વિસ્તારની મુલાકાત દરમિયાન મનપાની માલિકીની કિંમતી જમીન પર ઝૂંપડાંના દબાણો જોઈને ટીપી શાખાને જાણ કરી હતી. તેમ છતાં અધિકારીઓએ કાર્યવાહી ન કરતાં આ મુદ્દો મેયર અને કમિશ્નર સુધી પહોંચ્યો હતો. જનરલ બોર્ડની સભામાં કોર્પોરેટર ધૈર્ય પારેખે આ બાબતે પ્રશ્ન ઉઠાવી તંત્રનો કાન ખેંચ્યો હતો. જે બાદ મેયર તેમજ કમિશ્નરની સૂચનાથી ટીપી શાખાએ આજે સ્થળ ઉપર જઈને ઝૂંપડાંના દબાણો દૂર કર્યા હતા. ભવિષ્યમાં ફરી દબાણ થાય નહીં તેનાં માટે પ્લોટ ફરતે ત્વરિત ફેન્સિંગ કરવામાં આવશે. રાજકોટ કલેક્ટરને ‘આપ’નું આવેદન, દુષ્કાળ જાહેર કરી રાહત પેકેજ આપવાની કરાઈ માંગ રાજકોટ જિલ્લાના તમામ અસરગ્રસ્ત તાલુકાઓમાં અનાવૃષ્ટિ જાહેર કરવા અને ખેડૂતો તથા પશુપાલકો માટે તાત્કાલિક રાહત પેકેજ આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. પ્રદેશ સંગઠન મંત્રી તેજસ ગાજીપરા સહિતના કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી કે રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં ઓછા વરસાદને કારણે અનાવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે. તેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને ઉત્પાદન ઘટી ગયું છે, જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ નાજુક બની છે. વધુમાં, પશુઓ માટે ઘાસચારો અને પાણીની તીવ્ર કટોકટી ઉભી થઈ છે. ત્યારે અસરગ્રસ્ત તાલુકાઓમાં અનાવૃષ્ટિ જાહેર કરવા, ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા, સૌની યોજનાનું પાણી પૂરું પાડવા અને પશુપાલકોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવા અમારી માંગ છે. રાજકોટ મનપાનું જાહેરાનામું, પર્યુષણ પર્વમાં 8 દિવસ કતલખાના બંધ રાખવા આદેશ જૈન સમાજના પવિત્ર અને આસ્થાના મહાપર્વ પર્યુષણ પર્વને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જૈન ધર્મમાં અહિંસા અને જીવદયાનું વિશેષ મહત્વ હોવાથી મનપા કમિશનર દ્વારા આગામી 8 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી શહેરભરના તમામ કતલખાનાઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે આરોગ્ય શાખા દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડી સમગ્ર શહેરમાં તેની ચૂસ્ત અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ધારિત દિવસો દરમિયાન વિવિધ વિસ્તારમાં ખુલ્લા કે બંધ સ્થળોએ માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પવિત્ર તહેવાર દરમિયાન ધાર્મિક લાગણી જળવાઈ રહે અને જીવહિંસા અટકે તે હેતુથી આ સમગ્ર સમયગાળા દરમિયાન માંસાહારી ખાદ્યસામગ્રીના વેચાણ પર મનાઈ રહેશે. જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ કે સંચાલકો સામે પાલિકા તંત્ર કડક હાથે કામ લેશે. જો કોઈ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રેલવે મુસાફરોની સુવિધામાં વધારો:રાજકોટ ડિવિઝન દ્વારા જન્માષ્ટમી પર્વે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, વિવિધ રૂટો પર 4 જોડી અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો જાહેર
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
