Anti-Rust Coating: નવી કાર પર એન્ટી-રસ્ટ કોટિંગ કરાવવું જરૂરી છે?, જાણો ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

📅 Published: September 2, 2026 | 📂 Category: Business

Anti-Rust Coating: નવી કાર ખરીદતી વખતે ડીલરશિપ અથવા સર્વિસ સેન્ટર પર ઘણીવાર એન્ટી-રસ્ટ કોટિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દરેક નવી કાર માટે આ કોટિંગ કરાવવી જરૂરી હોય એવું નથી. આજકાલની આધુનિક કારમાં કંપની તરફથી જ અંડરબોડી એટલે કે કારના નીચેના ભાગને કાટથી બચાવવા માટે સુરક્ષા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સામાન્ય અને સૂકા વિસ્તારોમાં રહેતા લોકો માટે નવી કારમાં તરત જ વધારાનું કોટિંગ કરાવવું બિનજરૂરી ખર્ચ બની શકે છે. જોકે, દરિયાની નજીક અથવા જ્યાં વધારે પાણી ભરાતું હોય તેવા વિસ્તારોમાં રહેતા લોકો માટે એન્ટી-રસ્ટ કોટિંગ ઉપયોગી થઈ શકે છે.

શું હોય છે એન્ટી-રસ્ટ કોટિંગ?

એન્ટી-રસ્ટ કોટિંગ કારની ચેસિસ અને અંડરબોડી પર લગાવવામાં આવતું સુરક્ષાત્મક લેયર છે. તે કારના ધાતુના ભાગોને પાણી, ભેજ, મીઠું અને રસ્તા પરથી ઉડતા કચરાથી બચાવવામાં મદદ કરે છે. જેના કારણે કારમાં કાટ લાગવાનું જોખમ ઘટે છે. જોકે, આધુનિક કાર કંપનીઓ કાર બનાવતી વખતે જ અંડરબોડી પર ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ અને ફેક્ટરીમાં લગાવવામાં આવેલી એન્ટી-રસ્ટ સુરક્ષા આપે છે. મોટાભાગની નવી કાર કોઈ વધારાના કોટિંગ વગર પણ 5થી 10 વર્ષ સુધી કાટથી સુરક્ષિત રહી શકે છે.

આ વિસ્તારોમાં થઈ શકે છે જરૂર

જો તમે ચેન્નાઈ, ગોવા અથવા મુંબઈ જેવા દરિયાની આસપાસના વિસ્તારોમાં રહેતા હોવ, તો કારને વધારે ભેજ અને હવામાં રહેલા મીઠાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં એન્ટી-રસ્ટ કોટિંગ ઉપયોગી થઈ શકે છે. તેવી જ રીતે, જે વિસ્તારોમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી અને કાદવ ભરાઈ જાય છે, ત્યાં પણ કારની અંડરબોડીને વધારાની સુરક્ષાની જરૂર પડી શકે છે. આ ઉપરાંત, જો તમારી કાર 5થી 6 વર્ષ જૂની થઈ ગઈ હોય અને તેની ફેક્ટરી કોટિંગ ઘસાઈ ગઈ હોય, તો એન્ટી-રસ્ટ કોટિંગ કરાવવાનું વિચારી શકાય છે.

નવી કાર પર એન્ટી-રસ્ટ કોટિંગ જરૂરી?

જો તમે મધ્ય ભારત જેવા એવા વિસ્તારમાં રહેતા હોવ જ્યાં હવામાન મોટાભાગે સૂકું અને સામાન્ય રહે છે, તો નવી કાર પર તરત જ એન્ટી-રસ્ટ કોટિંગ કરાવવું પૈસાનો બગાડ બની શકે છે. એટલું જ નહીં, કોટિંગ કરાવતા પહેલાં કારના નીચેના ભાગને સારી રીતે ધોઈને સુકવવો પણ જરૂરી છે. જો અંડરબોડીમાં ભેજ રહી જાય અને તેના ઉપર કોટિંગ કરી દેવામાં આવે, તો ભેજ અંદર ફસાઈ શકે છે. જેના કારણે કાટ અટકવાને બદલે ઝડપથી લાગી શકે છે. તેથી સર્વિસ સેન્ટરના દબાણમાં આવીને તરત જ વધારાનું પેકેજ લેવાને બદલે તમારી જરૂરિયાત પ્રમાણે નિર્ણય લેવો જોઈએ.

આ પણ વાંચો: E-20 Petrolની ફરિયાદોને પગલે EV-CNG ગાડીઓની ફુલ ડિમાન્ડ! 6 મહિના સુધી વેઇટિંગ વધ્યું!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *