જર્મનીમાં કોલેજના લાસ્ટ યરની એક્ઝામ આપી માધવ સ્વદેશ આવી મેનકાને મળવા તલપાપડ બની ગયો. પાંચ વર્ષ સુધી મેનકાનો વિરહ ખૂબ આકરો લાગતો હતો, પરંતુ ઉજ્જ્વળ ભવિષ્ય માટે સ્ટડીમાં મન લગાવવું ખૂબ જરૂરી હતું એટલે એ પછી તો જિંદગી આખી સાથે જ છીએને એમ વિચારી પોતાને અને મોબાઈલ ફોનમાં મેનકાને તેણે સમજાવી દીધાં. મેનકા બહુ ડાહી એટલે કહેતી કે ચિંતા ન કરતો હું તારા માટે આખી જિંદગી રાહ જોવા તૈયાર છું. મેનકા એની બાળપણની ખાસ દોસ્ત હતી. એ બાજુની સોસાયટીમાં રહેતી હતી, પરંતુ બાળમંદિર, કે.જી.થી જ બંને બાજુબાજુમાં બેસતાં એટલે દોસ્તી થઈ ગઈ હતી. પછી તો સ્કૂલમાં પણ સાથે હતાં. કોઈ પણ સાથે બોલાચાલી કે ઝઘડો થાય તો બંને એકબીજાની ઢાલ બની જતાં. સાથે જ લેસન કરવું, રમવું અને હરવા ફરવા જવું રોજિંદો ક્રમ બની ગયો હતો. એસ.એસ.સી. બાદ કોલેજમાં પણ બંને એક જ ક્લાસમાં હતાં, પરંતુ બીજા જ વર્ષે તેને સાયન્સના સ્પેશિયલ કોર્ષ માટે જર્મનીની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ગયો હતો. તે જરૂરી બધી વિઝા સહિતની વિધિ પતાવી ત્યાં જવા નીકળવાનો હતો તે દિવસે આગલી રાતે બંને રાધાકૃષ્ણ મંદિરે મળ્યાં હતાં. અહીં આમ તો તેઓ દરરોજ સાંજે આરતીમાં આવતાં. સંચાલક અને પૂજારીજી તે બંનેને સારી રીતે જાણતાં. તેઓ બધા તે બંનેને જોઈ કહેતાં કે રાધા કિશન આવી ગયાં. યોગાનુયોગ આવતી કાલે જન્માષ્ટમી હતી અને મેનકાએ ફોનમાં તેને બપોરે જ શહેરમાં ભરાતા જન્માષ્ટમીના મેળામાં જવા કહ્યું હતું. તે ઘરે પહોંચ્યો તે દિવસે સાંજે મળવા તેને જણાવતાં મેનકાએ તેના ઘરે મહેમાન આવ્યા હોવાથી ના પાડી સીધા મેળામાં જ સાથે જવા કહ્યું હતું એ મુજબ બંને મેનકાની સોસાયટી નજીક એકાંતમાં મળ્યાં અને એકબીજાને આલિંગન આપી ખુશ ખુશ થઈ ગયાં. પછી રિક્ષામાં મેળામાં પહોંચ્યાં. એકબીજાના હાથમાં હાથ પરોવી ખૂબ ર્ફ્યાં. બાળપણથી જ એ બંને મેળામાં અવશ્ય આવતાં અને જુદી જુદી રાઈડ્સમાં બેસી મજા કરતા. કંઈ ને કંઈ ખરીદતા અને એકબીજાને ભેટ આપતા. આજે પણ તેઓની ફેવરિટ રાઈડઝમાં બેઠાં. નાસ્તા-પાણી કર્યા. થોડી ઘણી ખરીદી કરી એકબીજાને ભેટ આપી. પછી જન્માષ્ટમી હોવાથી રાતે મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા મળવા નક્કી કર્યું. રાતના અગિયારેક વાગ્યે મંદિર આવવા મેનકાએ કહ્યું. તે મુજબ માધવ રાતે મંદિરે પહોંચી પટાંગણમાં ઊભો રહી તેની રાહ જોતો હતો ત્યાં જ મેનકા સાડીમાં સજીધજીને આવી. તેને જોઈને માધવ સુપર્બ સુપર્બ બ્યૂટીફૂલ એમ બોલી ઊઠ્યો. બરાબર રાતે ૧૨ વાગ્યે બહુ ભીડ વચ્ચે કાનાનો જન્મોત્સવ ઉજવાયો. ભારે ધક્કામુક્કી થતી હોવાથી મેનકાએ દૂરથી દર્શન કરી લીધાં અને માધવને મંદિરમાં જઈ પૂજારીજીને મળી પારણું ઝુલાવી આવવા કહ્યું. પૂજારીએ તેને જોતાં જ બહાર આવી બાજુમાં ખૂણામાં લઈ જઈ ભારે હૃદયે કહ્યું, માધવ, ગજબ થઈ ગયો. અમારે તો માન્યામાં જ નથી આવતું. તારો વિચાર આવતાં જ તું કઈ રીતે સહન કરી શકીશ એ જ સમજાતું નહોતું. તેમના આ શબ્દો માધવને ન સમજાતાં તેણે કહ્યું મહારાજ, હું હજી કાલે જ જર્મનીથી આવ્યો છું એટલે મને ખબર નથી શું થઈ ગયું?
ઓહ બાપ રે! હજી સુધી તને કોઈએ કહ્યું જ નથી? તો દિલ પર પથ્થર મૂકી સાંભળ. ગયા વર્ષે જન્માષ્ટમીના દિવસે જ તારી રાધાએ આપઘાત કરી લીધો હતો. તેમના એ શબ્દો સાંભળી માધવે હસતાં હસતાં કહ્યું, અરે મહારાજ! એ કોઈ બીજું હશે. મારી રાધા તો મારી સાથે જ છે. એ ભીડ હોવાથી દૂર ઊભી છે.
શું વાત કરે છે? મહારાજે આશ્ચર્ય વ્યક્ત કરી થોડીવાર અટકી કહ્યું, હા, પણ તું ડરતો નહીં. એ પવિત્ર આત્મા તને મળવા ખાતર તલસી રહ્યો હશે.
એ શબ્દો સાંભળતાં જ માધવ દોડતો જઈને દૂર ઊભેલી મેનકાને ભેટી પડ્યો. મેનકાએ તેનો હાથ પકડી દૂર એક બેઠક પર બેસાડી તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું, માધવ, મહારાજે જે તને કહ્યું તે સત્ય છે. તને ડર નથી લાગતોને?
માધવે તેને આલિંગનમાં લઈને આંસુ સારતાં કહ્યું, ના, તું તો મારો પ્રેમ છે. આપણો તો આત્મા એક, પરંતુ તારે આપઘાત કેમ કરવો પડ્યો? તું તો અવારનવાર મારી સાથે ફોન પર વાત કરતી હતી. મેનકાએ માધવનો હાથ હાથમાં લઈને કહ્યું, માધવ, મારા પરિવારે મારી લાખ ના છતાં મારી સગાઈ કરી નાખી અને લગ્નની તારીખ પણ નક્કી કરતાં મેં નદીમાં ઝંપલાવી જીવ આપી દીધો. તને સ્ટડીમાં ડિસ્ટર્બ કરવા ઈચ્છતી ન હતી એટલે તને જાણ કરી ન હતી. હું તને મળવા ઈચ્છતી હતી એટલે આવી છું. હું દૈવી આત્મા છું. હવે હું તું પોકારીશ ત્યારે જ આવીશ કહી એ અલોપ થઈ ગઈ. માધવ અવાચક બની ગયો અને મેનકાના વિચારમાં ને વિચારમાં નદીના પુલ પર પહોંચી નદીમાં ઝંપલાવતાં બોલ્યો, મેનકા, હવે મારે જીવીને શું કરવાનું છે? હું કાયમ માટે તારો થવા આવું છું. હવે આપણે ક્યારેય અલગ નહીં થઈએ.
