છોટા ઉદેપુર જિલ્લા LCBએ પાનવડ પાસેથી એક TUV ગાડીમાંથી રૂ. 3,78,120/- નો વિદેશી દારૂ પકડ્યો છે. આ કેસમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે TUV ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી અહીંથી વારંવાર વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો થાય છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. જિલ્લા LCBએ દારૂની વધુ એક ખેપ પકડી પાડી છે. LCBની ટીમ પાનવડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, એક TUV ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ ગાડીનું પાયલોટિંગ એક ક્રેટા ગાડી કરી રહી હતી. આ બાતમીના આધારે LCBની ટીમે રૂમડિયા અને પાનવડ વચ્ચે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની પાયલોટિંગ કરતી ક્રેટા ગાડી (નં. GJ 13 CA 3302) આવતા તેને રોકવાનો ઈશારો કરાયો હતો. જોકે, ક્રેટા ગાડીના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી. તેની પાછળ આવતી TUV ગાડી (નં. GJ 13 AH 8681) ના ચાલકે પણ ગાડી ભગાવી હતી. LCBની ટીમે બંને ગાડીઓનો પીછો કર્યો હતો. પાનવડ પાસે TUV ગાડીનો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે ક્રેટા ગાડીનો ચાલક રાહુલ રમેશભાઈ કાંજિયા (રહે. થાનગઢ, ખાખરાવાડી, જિ. સુરેન્દ્રનગર) ભાગવા જતાં પડી ગયો હતો. LCBએ તેને ઝડપી પાડ્યો હતો. TUV ગાડીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 1240 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,78,120/- છે. જિલ્લા LCBએ વિદેશી દારૂ, ક્રેટા ગાડી, બોલેરો TUV ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂ. 18,88,120/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાનવડ પાસેથી ગાડીમાંથી ₹3.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:છોટા ઉદેપુર LCBએ એક આરોપીને પકડ્યો, TUV ગાડીનો ચાલક ફરાર
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
