ભુજમાં 'એક લાખના પાંચ લાખ'ની લાલચ આપતા બે ઠગ ઝડપાયા:LCBએ કારમાંથી નોટોના બંડલ અને સોનાના બિસ્કિટ સાથે પકડ્યા

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ભુજમાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને સોશિયલ મીડિયા દ્વારા લોકોને આર્થિક લાલચ આપી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અલગ-અલગ નામથી સોશિયલ મીડિયા પર આઈડી અને ગ્રુપ બનાવતા હતા. તેઓ ભારતીય ચલણી નોટો અને સસ્તા સોનાના બિસ્કિટના વીડિયો વાયરલ કરીને લોકોને ફસાવતા હતા. આ વીડિયોમાં એક લાખ રૂપિયાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની લાલચ અપાતી હતી. સાથે જ, બજારભાવ કરતાં ઘણા સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની વાત કરીને લોકોને આકર્ષવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં ભુજના સરપટ નાકા બહાર આવેલા શેખ ફળિયામાં રહેતા 26 વર્ષીય અજરૂદીન કાસમશા શેખ અને 22 વર્ષીય અલીશા કાસમશા શેખનો સમાવેશ થાય છે. LCBને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ભુજમાં વાહેદની સ્કૂલ ગ્રાઉન્ડ પાસે કાર્યવાહી કરી હતી. બંને આરોપીઓ ગ્રાન્ડ i10 કારમાં હાજર હતા. પોલીસે કારની તલાશી લેતા નોટોના બંડલ, સોના જેવી ધાતુના બિસ્કિટ, મોબાઇલ ફોન, નોટ ગણવાનું મશીન અને કાર સહિત કુલ આશરે 5.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 22 સાચી ભારતીય ચલણની નોટો, ‘ભારતીય મનોરંજન’ લખેલી 534 નોટોના બંડલ, સોના જેવી ધાતુના 14 બિસ્કિટ, બે મોબાઇલ ફોન, નોટ ગણવાનું મશીન અને ગ્રાન્ડ i10 કારનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ છેતરપિંડીના અલગ-અલગ ગુનાઓમાં સામેલ હતા. LCB આ મામલે વધુ તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા દ્વારા આવા લોભામણા પ્રલોભનો આપી લોકોને છેતરતી ગેંગ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *