Amulનો વૈશ્વિક ડંકો, 93ના સ્કોર સાથે બની વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ

📅 Published: September 2, 2026 | 📂 Category: Business

Indiaની જાણીતી ડેરી બ્રાન્ડ અમૂલે વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હવે અમૂલ માત્ર ભારતની જાણીતી ડેરી કંપની નથી રહી, પરંતુ વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. બ્રાન્ડ વેલ્યુએશન કંપની Brand Financeના Food & Drinks 2026 રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ ભારતની પાંચ મોટી ફૂડ અને ડેરી બ્રાન્ડની કુલ બ્રાન્ડ વેલ્યુ લગભગ 9.9 અબજ ડોલર એટલે કે અંદાજે 94 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.

અમૂલની બ્રાન્ડ વેલ્યુમાં 22%નો વધારો

આ વર્ષે અમૂલની બ્રાન્ડ વેલ્યુમાં 22 ટકાનો વધારો નોંધાયો છે. તેની વેલ્યુ વધીને લગભગ 5 અબજ ડોલર થઈ ગઈ છે. ગ્લોબલ ડેરી બ્રાન્ડ રેન્કિંગમાં અમૂલને ચોથું સ્થાન મળ્યું છે, જ્યારે વિશ્વની 100 સૌથી મૂલ્યવાન ફૂડ બ્રાન્ડની યાદીમાં તે 13મા ક્રમે છે. અમૂલને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ બનાવવામાં તેના 93/100ના Brand Strength Index સ્કોરની મહત્વની ભૂમિકા રહી છે. કંપનીને AAA+ રેટિંગ પણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે અમૂલે આ વર્ષે લગભગ 100 નવા પ્રોડક્ટ્સ બજારમાં રજૂ કર્યા છે, જે તેની પ્રોડક્ટ રેન્જના વિસ્તરણને દર્શાવે છે.

બ્રિટાનિયા અને નંદિની પણ ટોપ 100માં

અમૂલ સિવાય અન્ય ભારતીય ફૂડ અને ડેરી બ્રાન્ડ્સે પણ વૈશ્વિક રેન્કિંગમાં સારી જગ્યા બનાવી છે. મધર ડેરીની બ્રાન્ડ વેલ્યુમાં 22 ટકાનો વધારો થઈને તે લગભગ 1.4 અબજ ડોલર થઈ છે અને વૈશ્વિક યાદીમાં તે 60મા ક્રમે છે. બ્રિટાનિયા આ વૈશ્વિક યાદીમાં 63મા સ્થાન પર છે. તેની બ્રાન્ડ વેલ્યુમાં 17 ટકાનો વધારો થઈને તે લગભગ 1.3 અબજ ડોલર થઈ છે. બીજી તરફ, નંદિની પણ વિશ્વની ટોપ 100 ફૂડ બ્રાન્ડમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. તેની બ્રાન્ડ વેલ્યુ 4 ટકા વધીને લગભગ 1.1 અબજ ડોલર થઈ છે.

ડેરી વેલ્યુમાં Yili, સ્ટ્રેન્થમાં અમૂલ

Brand Financeના રિપોર્ટ અનુસાર, વર્ષ 2026માં વિશ્વના ફૂડ અને ડ્રિંક્સ સેક્ટરની કુલ બ્રાન્ડ વેલ્યુ લગભગ 448.7 અબજ ડોલર એટલે કે અંદાજે 42.61 લાખ કરોડ રૂપિયા રહી છે. આ યાદીમાં Nestlé વિશ્વની સૌથી મૂલ્યવાન ફૂડ બ્રાન્ડ તરીકે યથાવત છે, જ્યારે Coca-Cola પણ ટોચની બ્રાન્ડ્સમાં સામેલ છે. ડેરી બ્રાન્ડની કુલ વેલ્યુની વાત કરવામાં આવે તો Yili વૈશ્વિક સ્તરે સૌથી આગળ છે. જોકે બ્રાન્ડની મજબૂતીના મામલે અમૂલે Yili સહિત અન્ય તમામ ડેરી બ્રાન્ડ્સને પાછળ છોડી દીધી છે. આ સિદ્ધિ અમૂલની વૈશ્વિક બ્રાન્ડ પાવર અને ભારતીય ડેરી ઉદ્યોગની વધતી પહોંચ દર્શાવે છે.

આ પણ વાંચો: મધુર ડેરીના ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *