અમદાવાદીઓ મુસાફરી માટે અગાઉથી વ્યવસ્થા કરી લેજો!:7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સીચાલકોનું સંપૂર્ણ બંધનું એલાન, વાહન વ્યવહાર કમિશનરે માંગણીઓ ન સ્વીકારતાં યુનિયનોનો મોટો નિર્ણય

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઓનલાઇન કેબ અને બાઇક રાઇડિંગ એપ્લિકેશનો સામે સ્થાનિક વાહનચાલકોનું ‘રોજગાર બચાવો આંદોલન’ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા થતા આર્થિક શોષણ તેમજ ગેરકાયદે ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ બંધ કરાવવા અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં સંયુક્ત યુનિયનોએ આકરા પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા સહિતના વિવિધ રિક્ષા અને ટેક્સી સંગઠનોએ 7થી 10 સપ્ટેમ્બર સુધી સતત ચાર દિવસ માટે સંપૂર્ણ હડતાળ પાડવાની સત્તાવાર જાહેરાત કરી છે. તંત્રને જગાડવા માટે આંદોલનકારીઓએ અતિ આવશ્યક કે ઇમરજન્સી સંજોગોમાં પણ રિક્ષા અને ટેક્સી સેવાઓ બંધ રાખવાનું કડક આહવાન કર્યું છે, જેના કારણે લાખો દૈનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ઓનલાઇન કંપનીઓ સામે શોષણના આક્ષેપો અને નિયત ભાડાની માગ
રિક્ષા અને ટેક્સી યુનિયનોનો મુખ્ય આક્ષેપ છે કે ઓનલાઇન એગ્રીગેટર એપ્લિકેશનો સરકારી નિયમો અને ધારાધોરણોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. ખાસ કરીને વ્યાપારી હેતુ વિનાની ખાનગી ટુ-વ્હીલર બાઇકોને ગેરકાયદે પેસેન્જર સેવાઓમાં જોડીને પરંપરાગત રિક્ષાચાલકોની રોજીરોટી છીનવી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકારે નિર્ધારિત કરેલા વાજબી મીટર ભાડાને બદલે મનસ્વી રીતે અલ્ગોરિધમ આધારિત નીચા અને અનિયંત્રિત ભાડા લાદીને ચાલકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ કાળા કારોબારને ડામવા અને સરકારી માપદંડો મુજબનું સત્તાવાર ભાડું તમામ એપ્સમાં લાગુ કરવાની મુખ્ય માંગ સાથે આ સંઘર્ષ શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં રજૂઆતો નિષ્ફળ જતાં હડતાળનો નિર્ણય લેવાયો
સમસ્યાના શાંતિપૂર્ણ નિરાકરણ માટે યુનિયનના અગ્રણીઓએ ગત 27 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર કમિશનરને રૂબરૂ મળીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ વિરોધના પ્રથમ તબક્કા તરીકે 28 ઓગસ્ટથી તમામ વાહનો પાછળ જાગૃતિ અને વિરોધ દર્શાવતા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. જોકે, વહીવટી તંત્ર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ કે ખાતરી ન મળતાં રિક્ષા અને ટેક્સી યુનિયનોની સંયુક્ત કટોકટી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે માત્ર કાગળ પર રજૂઆતો કરવાથી સરકાર નહીં જાગે, જેથી ચાર દિવસ સુધી સમગ્ર પરિવહન વ્યવસ્થા ઠપ કરીને સત્તાવાળાઓ પર દબાણ બનાવવામાં આવશે. 3.50 લાખ વાહનોના પૈડાં થંભશે, ઇમરજન્સીમાં પણ સેવા નહીં મળે
આગામી 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ શહેરમાં અંદાજે 3 લાખ રિક્ષાઓ અને 50,000થી વધુ ટેક્સીઓ રોડ પરથી સંપૂર્ણપણે ગાયબ રહેશે. લાખો વાહનો એકસાથે હડતાળ પર ઉતરવાના કારણે રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ તેમજ સામાન્ય નોકરિયાત વર્ગની દૈનિક અવરજવર ખોરવાઈ જવાની ભીતિ છે. યુનિયનોએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, હોસ્પિટલ કે અન્ય તાકીદના કિસ્સાઓમાં પણ રિક્ષા દોડાવવામાં આવશે નહીં, જેથી મુસાફરોએ અગાઉથી પોતાના ખાનગી વાહનો અથવા જાહેર પરિવહનની વ્યવસ્થા કરી લેવી પડશે. યુનિયનના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ચાર દિવસના બંધ પછી પણ સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી નહીં જાગે, તો આગામી દિવસોમાં આ આંદોલનને રાજ્યવ્યાપી બનાવીને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *