સુરતના બિલ્ડર ફૈઝલ ફટ્ટાની હત્યા માટે 10 લાખનો મર્ડર કોન્ટ્રાક્ટ:હત્યારાઓએ સાત દિવસ રેકી કરી એક-એક પળની અપડેટ મેળવી, કુખ્યાત મુબારકને સોપારી આપનાર સુરતનું મોટું માથું?

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

31 ઓગસ્ટે સુરતના જીલાણી બ્રિજ પર જમીન દલાલ અને બિલ્ડર 55 વર્ષીય ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની જાહેરમાં છરીના 19 ઘા ઝીંકી હત્યા કરી હતી. આ હત્યાકાંડમાં કુખ્યાત મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલનું નામ સામે આવ્યું છે. ફૈઝલ ફટ્ટાની હત્યા કરવા મુબારકે 10 લાખની સોપારી આપી હતી, જેમાંથી 1 લાખ એડવાન્સ ચૂકવ્યા હતા. હત્યાને અંજામ આપવા આરોપીઓ છેલ્લા 1 અઠવાડિયાથી ફૈઝલના રૂટ પર સતત રેકી કરી રહ્યા હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા 4 આરોપીઓ મુંબઇ ભાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુબારક સામે કતારગામ, સલાબતપુરા, ડિંડોલી અને ઉધનામાં હત્યાના પ્રયાસ સહિત 14 ગુના નોંધાયેલા છે તેમજ બે વાર તડીપાર અને પાસા પણ થઈ ચૂકી છે. ઓફિસ બહાર રેકી કરી આખું શિડ્યુલ મેળવ્યું
મુબારક પાસેથી સોપારી લીધા બાદ આરોપીઓએ ફૈઝલ ફટ્ટાની વરીયાળી બજાર સ્થિતિ ઓફિસ બહાર અંદાજે 1 અઠવાડિયા સુધી સતત પહેરો ગોઠવી રાખ્યો હતો. ફૈઝલ ક્યારે ઓફિસ આવે છે, ક્યારે જાય છે, કયા રૂટ પરથી નીકળે છે, કાર કે મોપેડ કયા વહાન પર અવરજવર કરે છે તે તમામ શિડ્યૂલની બારીકાઈથી રેકી કરી હતી. 31 ઓગસ્ટની રાત્રે પોણા નવ વાગ્યાના અસરામાં ફૈઝલ મોપેડ લઈ ઓફિસથી નીકળતા જ પૂર્વયોજિત કાવતરા મુજબ બે મોપેડ સવાર ચારેય હત્યારાઓએ તેનો પીછો કર્યો હતો. જીલાણી બ્રિજ પર ટક્કર મારી બે મિનિટમાં હત્યા કરી
ફૈઝલ જીલાણી બ્રિજ પર પહોંચ્યો કે આરોપીઓએ મોપેડથી ટક્કર મારી નીચે પાડી દીધો હતો. ત્યારબાદ બે મિનિટમાં જાહેરમાં છરીના 19 ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ ફૈઝલનું ઓન ધી સ્પોટ મોત થયું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ બ્રિજ પરથી રોંગ સાઈડમાં મોપેડ હંકારી નાસી છૂટ્યા હતા. બનાવની ગંભીરતાને જોતાં પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને ડીસીપી ઝોન 3 સહિત 15 અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસને ગેરમાર્ગે દોરી મુંબઈ ભાગતા 4 આરોપી દબોચ્યા
આરોપીઓ ધરપકડથી બચવા ઉત્તર દિશા તરફ ભાગ્યા હોવાનો ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ મહારાષ્ટ્ર તરફ ભાગ્યાની પાકી માહિતી મળી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ચોકબજાર પોલીસની ટીમે મુંબઇ હાઈવે પર વોચ ગોઠવી ફાઉન્ટેન હોટલ સામેથી બે અને વેસ્ટર્ન હોટલ પાસેથી 2 એમ કુલ 4 આરોપીઓને દબોચ્યા હતા. આ પણ વાંચો: બિલ્ડરની હત્યા કરી આરોપીઓ રોંગસાઈડમાં ભાગ્યા, CCTV ચારેય આરોપીઓ સામે હત્યાની કોશિશ, મારામારી સહિતના ગુના
ચારેય આરોપીઓ સલાબપુરાના હળપતિ વાસમાં રહેતા હતા અને રીઢા ગુનેગારો છે. અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘૂંઘરૂ દેવરે સામે હત્યાની કોશિશ, ધાડ અને મારામારીના 5 ગુના, વસીમ ઉર્ફે વસીયો શેખ સામે મારામારીના 4 ગુના અને પાસા, ગોકુલ સંતોષ જાદવ સામે મારામારીના બે ગુના તેમજ ફૈસરઅલી આબિદઅલી સૈયદ સામે મહારાષ્ટ્રમાં મારામારી અને હત્યાની કોશિશના 3 ગુના નોંધાયેલા છે. ફૈસરઅલી જલગાંવના અમલનેર પોલીસ સ્ટેશનમાં નોંદાયેલા હત્યાની કોશિશના ગુનામાં વોન્ટેડ હતો. મુબારકની ધરપકડ બાદ હત્યાનો હેતુ સ્પષ્ટ થશે: એડિશનલ CP
આ સમગ્ર હત્યાકાંડ અંગે એડિશનલ સીપી ક્રાઈમ બલરામ મીણાએ જણાવ્યું હતું કે, મુબારકની ધરપકડ બાદ હત્યા પાછળનો મુખ્ય હેતુ સ્પષ્ટ થશે. મુબારકને પડદા પાછળથી કોઈ દોરીસંચાર કરતું હતું કે પછી મુબારકને પણ ઉપરથી કોઈ મોટા માથાએ સોપારી આપી હતી કે તે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. મુબારક હાથમાં આવતાની સાથે જ તમામ ચહેરાઓ સ્પષ્ટપણે સામે આવી જશે. હાલ ફરાર મુબારકને ઝડપી લેવા અલગ-અલગ રાજ્યોમાં ટીમો રવાના કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *