S Jaishankar યુક્રેન-પોલેન્ડની મુલાકાતે, રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર રહેશે ભાર

📅 Published: September 2, 2026 | 📂 Category: India National

રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન તથા વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.

ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે

જયશંકરની કીવ મુલાકાતનું ખાસ મહત્વ છે, કારણ કે ભારત સતત રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી લાવવાની અપીલ કરી રહ્યું છે. એવી શક્યતા છે કે યુક્રેનમાં જયશંકર શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે. અગાઉ ઓગસ્ટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કીવની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને સંઘર્ષનો અંત લાવવા માટે સંવાદ તથા કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી.

યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર

તાજેતરમાં બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધનો દરેક દિવસ માનવતાને પાછળ ધકેલે છે, જ્યારે શાંતિ તરફ લેવાયેલું દરેક પગલું નવી આશા જન્માવે છે. જયશંકરની યુક્રેન મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ સપ્તાહે રશિયન હુમલા બાદ યુક્રેનની રાજધાની કીવમાં એક ભારતીય નાગરિકના મોતને લઈને ભારતમાં ચિંતા વધી છે. 

આ મુદ્દો પણ મુલાકાત દરમિયાન મહત્વનો બની શકે છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર, પ્રાદેશિક સુરક્ષા અને અન્ય પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ભારતની આ મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટેના તેના રાજદ્વારી પ્રયાસોને વધુ મજબૂત બનાવવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *