PM Modiએ આપ્યો જળ સંરક્ષણનો મંત્ર, જળ વ્યવસ્થાપન માટે 4 મોટા સંકલ્પ લીધા

📅 Published: September 2, 2026 | 📂 Category: India National

જળ સુરક્ષા અને જળ વ્યવસ્થાપનને લઈને જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય વિભાગીય શિખર સંમેલનનું આજે સમાપન થયું. સમાપન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપતાં જળ સંરક્ષણ, જનભાગીદારી અને નાગરિકોને વધુ સારી જળ સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂક્યો.

ગુજરાતના જળ મંત્રી ઈશ્વર પટેલ પણ ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની આગેવાનીમાં યોજાયેલા આ સંમેલનમાં દેશના જળ વ્યવસ્થાપન સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ પણ સંમેલનમાં ભાગ લીધો હતો. ગુજરાતના જળ મંત્રી ઈશ્વર પટેલ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ સુધી ચાલેલા સંમેલનમાં દેશની જળ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ચાર મુખ્ય સંકલ્પ લેવામાં આવ્યા. તેમાં જળ પરિયોજનાઓને સમયસર પૂર્ણ કરવી, જળ સંચયને જનઆંદોલન બનાવવું, ગ્રામીણ પીવાના પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ કરવું અને દરેક ગ્રામીણ પરિવારને પૂરતું, સુરક્ષિત તથા નિયમિત પાણી ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.

સામાન્ય લોકોની વધુમાં વધુ ભાગીદારી જરૂરી

PM મોદીએ જણાવ્યું કે જળ સંરક્ષણને માત્ર સરકારની જવાબદારી તરીકે ન જોવું જોઈએ. તેમાં સામાન્ય લોકોની વધુમાં વધુ ભાગીદારી જરૂરી છે. તેમણે જળ સંસાધનોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ માટે જનજાગૃતિ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. સંમેલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારા સંકલન દ્વારા જળ વ્યવસ્થાપનને અસરકારક બનાવવાની દિશામાં પણ ચર્ચા થઈ. દેશના જળ સંસાધનોનું યોગ્ય સંચાલન, ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અને જળ સંરક્ષણ માટે નક્કર વ્યૂહરચના તૈયાર કરવી સંમેલનનો મુખ્ય હેતુ રહ્યો હતો. PM મોદીના માર્ગદર્શન સાથે ‘જળ-સુરક્ષિત અને વિકસિત ભારત’ના લક્ષ્યને આગળ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો : Rahul Gandhi બ્રિટિશ નાગરિક હોવાનો દાવો ફગાવાયો, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી પરત ખેંચવાની મંજૂરી આપી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *