જરૂરિયાતમંદો ઘર વગરના, 12 પરિવારોને ડબલ મકાનની લ્હાણી:રાજકોટ મનપાની પીએમ આવાસ યોજનામાં ભોપાળું, સોગંદનામામાં પત્નીના નામે ફ્લેટનો ઉલ્લેખ છતાં પતિને બીજું આવાસ ફાળવ્યું

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચાલતી ઘોર બેદરકારી અને ગેરરીતિઓનો મીડિયા ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી સરકારી યોજનામાં નિયમો નેવે મૂકીને એવા લોકોને આવાસ ફાળવી દેવાયા છે જેઓ પહેલેથી જ આવાસનું મકાન ધરાવે છે. અગાઉ એક જ પરિવારને બે-બે આવાસ ફાળવાયા હોવાના 11 કિસ્સાઓ સામે આવ્યા બાદ વધુ એક 12મો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પત્નીના નામે આવાસ હોવા છતાં અને પતિએ પોતાના સત્તાવાર સોગંદનામામાં પહેલેથી ફ્લેટ ધરાવતા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવા છતાં મનપાના અધિકારીઓએ આંખો મીંચીને પતિના નામે બીજું આવાસ મંજૂર કરી દીધું હતું. પત્નીને વર્ષ 2020માં આવાસ મળ્યું, પતિને 2021માં બીજું ફાળવાયું
ઇન્વેસ્ટિગેશનમાં સામે આવેલી ચોંકાવનારી વિગતો મુજબ મીનાબેન વિજયભાઈ લોરીયા નામના મહિલાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરતાં તેમને વર્ષ 2020માં લક્ષ્મણરાવ ટાઉનશીપ (EWS-1)માં આવાસ ફાળવવામાં આવ્યું હતું. આ મકાનનો કાયદેસરનો દસ્તાવેજ 1 ઓક્ટોબર, 2020ના રોજ સંપન્ન થયો હતો અને દંપતીએ હપ્તા પેટે 3,30,000ની રકમ પણ મહાપાલિકામાં જમા કરાવી દીધી હતી. આમ છતાં વધુ એક મકાન મેળવી લેવાની લાલચમાં તેમના પતિ વિજયભાઈ વિનોદભાઈ લોરીયાએ સુદામા ટાઉનશીપ (EWS-2) માટે અલગથી ફોર્મ ભર્યું હતું. આશ્ચર્યજનક રીતે તંત્રએ કોઈપણ ઊંડાણપૂર્વકની ચકાસણી કર્યા વિના વર્ષ 2021માં પતિના નામે પણ બીજું આવાસ ફાળવી આપ્યું હતું, જેમાં પતિએ 5,40,000ની રકમ પણ જમા કરાવી દીધી હતી. સોગંદનામામાં સ્પષ્ટ કબૂલાત છતાં સ્ક્રુટિની કરનારા અધિકારીઓએ આંખ આડા કાન કર્યા
અરજદાર વિજયભાઈ લોરીયા દ્વારા 7 જૂન, 2021ના રોજ રજૂ કરાયેલા નોટરાઇઝ્ડ સોગંદનામાની વિગતો તપાસતાં તંત્રનો વહીવટી અંધાપો છતો થયો છે. આ એફિડેવિટમાં અરજદારે પોતે અગાઉથી ફ્લેટ ધરાવતા હોવાની ચોખ્ખી વિગત દર્શાવી હતી. નિયમ મુજબ પાકું મકાન ધરાવતા અરજદાર આવાસ યોજના માટે ગેરલાયક ઠરે છે તેમછતાં મહાનગરપાલિકાના સ્ક્રુટિની વિભાગના જવાબદાર અધિકારીઓએ કાગળો વાંચવાની તસદી લીધા વિના જ મંજૂરીની મહોર મારી દીધી હતી. આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ હવે દંપતી દ્વારા બંને આવાસ પેટે ભરાયેલી કુલ 8,70,000ની રકમ અને જવાબદાર બાબુઓ સામે શું પગલાં લેવાશે તે ચર્ચાનો વિષય બન્યો છે. આવાસ સમિતિ ચેરમેને ભૂલ સ્વીકારી
મહાપાલિકાની આવાસ યોજના સમિતિના ચેરમેન દિલીપ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, આ મામલે સંબંધિત અધિકારીઓને બોલાવીને તપાસ કરવામાં આવશે અને પાંચેય પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી કાયદેસરની કાર્યવાહી નક્કી કરાશે. નિયમ અનુસાર ગેરકાયદે મેળવાયેલું બીજું આવાસ તંત્ર દ્વારા જપ્ત કરી લેવાશે, જોકે અરજદાર સામાન્ય વર્ગનો હોવાથી જપ્ત કરાયેલા આવાસની ડિપોઝિટ પરત મળી રહે એવું માનવીય વલણ અપનાવવામાં આવશે. અગાઉ પકડાયેલા 11 આસામીઓને મનપા દ્વારા સાત દિવસની આખરી નોટિસ
શહેરમાં મવડી, લાઈટ હાઉસ પ્રોજેક્ટ, રાણી ટાવર, હેવલોક એપાર્ટમેન્ટ, વાવડી અને સ્માર્ટ ઘર પ્રોજેક્ટમાં હાર્દિક જોશી, જયેશકુમાર નગવાડરિયા, કમલજીતસિંહ ઝાલા, મનીષાબેન જોટંગીયા, બીના જેઠવા, ગગજીભાઈ મીઠાપરા, પ્રવિણસિંહ ગોહિલ, અલકાબેન કોટક, ભાવનાબેન ઉપાધ્યાય, વાલીબેન મકવાણા અને રચના શેઠ નામના આસામીઓએ ભાડાની આવક મેળવવા બે-બે આવાસ મેળવી લીધા હોવાનું સોફ્ટવેર તપાસમાં ખુલ્યું હતું. આ તમામ લાભાર્થીઓને આવાસ વિભાગના મેનેજર સુર્યપ્રતાપસિંહ દ્વારા સાત દિવસમાં મકાન ખાલી કરવા અને ખુલાસો રજૂ કરવા આખરી નોટિસ ફટકારવામાં આવી છે. જો નિયત સમયમાં મકાન ખાલી નહીં કરાય તો મિલકત સીલ કરી ફોજદારી ગુનો નોંધવાની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી મકાન ફાળવનારા ભ્રષ્ટ અધિકારીઓ સામે તંત્ર ક્યારે પગલાં ભરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *