Ahmedabad News: લતા મંગેશ્કર અને આશા ભોંસલેને ગુજરાતી ગીતો ગવડાવનાર સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનારા જાણીતા અને દિગ્ગજ સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે મોડી રાત્રે અવસાન થયું છે.તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ ગુજરાતી કલા અને સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.બાળપણથી જ ઘરમાં સંગીતનો સમૃદ્ધ માહોલ મળવાને કારણે તેમણે નાની ઉંમરે જ સ્વર અને તાલ પર અદ્ભુત પકડ મેળવી લીધી હતી.પિતાના ભવ્ય વારસાને આગળ ધપાવતા તેમણે ગુજરાતી સંગીતને એક નવી ઊંચાઈએ પહોંચાડવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.  

100થી વધુ ફિલ્મોમાં સંગીત નિર્દેશક તરીકે કામ કર્યું

ગૌરાંગ વ્યાસે 100થી વધુ ફિલ્મોમાં સંગીત નિર્દેશક તરીકે અદ્ભુત કામ કર્યું છે.તેમણે આપેલા ગીતો અને ગરબાઓ આજે પણ દરેક ગુજરાતીના દિલમાં વસેલા છે. ભવની ભવાઈ, લાખો ફુલાણી જેવી લોકપ્રિય ફિલ્મોમાં તેમનું સંગીત ક્ષેત્રે અનોખું પ્રદાન રહ્યું છે.ગુજરાતી સિનેમા ઉપરાંત તેમણે અનેક સુગમ સંગીતના આલ્બમો, ગરબા, ભજનો અને નાટકોમાં પણ યાદગાર સ્વરાંકનો તૈયાર કર્યા હતા. લતા મંગેશકર, આશા ભોંસલે જેવા દિગ્ગજ પાર્શ્વગાયકો પાસે પણ તેમણે ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા.  

ગુજરાતી કલા અને સાહિત્ય જગતને મોટી ખોટ પડી

ગૌરાંગ વ્યાસના નિધનથી માત્ર સંગીત ક્ષેત્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી કલા અને સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સંગીત અને ફિલ્મ ક્ષેત્રના લોકોના જણાવ્યા પ્રમાણે ગૌરાંગ વ્યાસની વિદાય એ ગુજરાતી સંગીતની એક સુવર્ણ યુગનો અંત છે અને તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.તેમનું સંગીત અને તેમની મધુર રચનાઓ હંમેશા સંગીત પ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે. ગૌરાંગ વ્યાસે તેમની સંગીત કારકિર્દી દરમિયાન ‘લાખ લાખ દિવડા’,’ઘોર અંધારી રે રાતલડીમાં’ જેવા લોકપ્રિય ગરબા, ‘દીકરી તો પારકી થાપણ’ જેવા ફિલ્મી ગીતો અને ‘તુ રંગાઈ જાને રંગમાં’ જેવા ભજનોમાં અદ્ભુત સ્વરાંકન કર્યું છે.

GIFA તરફથી ગોલ્ડન એવોર્ડ એનાયત

ગૌરાંગ વ્યાસનો જન્મ 24 નવેમ્બર, 1938ના રોજ થયો હતો. તેઓ સંગીતકાર પદ્મશ્રી સ્વ.અવિનાશ વ્યાસના પુત્ર હતા.વર્ષ 1967માં અમદાવાદ ખાતે તેમના લગ્ન નયનાબેન સાથે થયા હતા. ભવની ભવાઈ (1980), મણિયારો (1980), નસીબની બલિહારી (1982), પારકી થાપણ (1979) અને સુપરહિટ કૌટુંબિક ડ્રામા ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું (2001) મુખ્ય છે. તેમને ગુજરાતી સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે GIFA તરફથી ગોલ્ડન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Ram Mandir ટ્રસ્ટના CEO બન્યા બાદ ભાવુક થયા જિતેન્દ્ર મિશ્રા, કહ્યું ‘પ્રભુ શ્રીરામની ઈચ્છાથી આ જવાબદારી મળી’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *