સલવાવની સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી:યુવા મનને સ્વનિર્ભરતાથી નેતૃત્વ તરફ સશક્ત બનાવવા જાગૃતિ સેમિનાર યોજાયો

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

વાપીના સલવાવમાં આવેલી શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. IQAC, IIC અને સ્વદેશી જાગરણ મંચ, વલસાડ શહેરના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. ‘સ્વાવલંબી ભારત અભિયાન’ અંતર્ગત ‘સ્વ-નિર્ભરતાથી નેતૃત્વ તરફ યુવા મનને સશક્ત બનાવતા’ વિષય પર ઉદ્યોગસાહસિકતા જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત અને સ્વાગત નૃત્ય રજૂ કરાયું હતું. કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેએ બધા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. વલસાડના CDHO ડૉ. એ. કે. સિંહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશી જાગરણ મંચના ગુજરાત પ્રાંત મહિલા કાર્ય પ્રમુખ ડૉ. સીમા ટી. ગાલા, વાપીના ઉદ્યોગસાહસિક કુણાલ તયાલ અને ઉદ્યોગસાહસિક વિકાસ રવિન્દ્ર સિંહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વક્તાઓએ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, નવીનતા, સ્વનિર્ભરતા અને નેતૃત્વનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પોતાના વિચારોને સફળ વ્યવસાયમાં કેવી રીતે બદલવા તેની દિશા પણ બતાવી હતી. ખાસ કરીને ફાર્મસી અને લાઇફ સાયન્સ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાની તકો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં સ્વદેશી જાગરણ મંચના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આયોજનમાં સંયોજક સીમા ભટ્ટાચાર્યનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. અંતે આભારવિધિ સાથે સેમિનાર પૂરો થયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *