નવસારી શહેરમાં ઊંચા વળતર અને પૈસા બમણાં કરવાની લાલચ આપીને એક વેપારી અને તેમના મિત્રો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. ‘વી.એન.એસ. કોઈન’ નામની સ્કીમમાં કુલ 42.85 લાખ રૂપિયાનું રોકાણ કરાવીને પૈસા પાછા ન આપતા આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે વેપારીની પેઢીના નામનો ખોટો ઉપયોગ કરવા ઉપરાંત તેમના જ વિશ્વાસુ મેનેજરે પણ ખોટા વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. નવસારી ગ્રામ્ય/ટાઉન પોલીસે 3 લોકો સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. નવસારીની પ્રતિક્ષા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વેપારી વિશાલભાઈ રણજીતભાઈ રાવ કે.કે. પ્લાઝા એપાર્ટમેન્ટ, ચારપુલ ખાતે ‘વી.એન.એસ.’ અને ‘વી.એન.એસ. એકવા’ નામની પોતાની પેઢીઓ ચલાવે છે. વર્ષ 2023માં તેમણે પોતાની ઓફિસ નીચે આવેલી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન સોનલબેન છોટેલાલ ભકતાને ભાડે આપી હતી. સોનલબેન વિજલપોર, નવસારીના રહેવાસી છે. સોનલબેન અને તેમના ઝારખંડ સ્થિત ભાગીદાર વિક્રમસિંહ રંજનસિંહે ત્યાં ‘વર્ચ્યુઅલ નેટવર્ક સર્વિસ કોઈન’ (વી.એન.એસ. કોઈન) નામથી ફાયનાન્સિયલ મેનેજમેન્ટ અને નેટવર્ક માર્કેટિંગની ઓફિસ શરૂ કરી હતી. દુકાન ભાડે લીધા પછી બંને ભાગીદારોએ વિશાલભાઈ સાથે મિત્રતા કેળવી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. તેમણે વિશાલભાઈને લાલચ આપી કે “અમારી પેઢીમાં રોકાણ સુરક્ષિત છે અને 1 વર્ષથી પણ ઓછા સમયમાં પૈસા બમણાં થઈ જશે.” આ રીતે તેમણે વિશાલભાઈ પાસેથી કુલ 24.85 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું. આ ઉપરાંત, તેમના બે મિત્રો પંકજકુમાર આહીર પાસેથી 10 લાખ રૂપિયા અને અંકિત રાજપૂત પાસેથી 8 લાખ રૂપિયા મળીને કુલ 42.85 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. વિશાલભાઈની માર્કેટમાં ‘વી.એન.એસ.’ નામની એક પ્રતિષ્ઠિત રજિસ્ટર્ડ પેઢી છે. આરોપીઓએ પોતાની કંપનીનું આખું નામ છુપાવીને માત્ર ‘વી.એન.એસ. કોઈન’ નામનો ઉપયોગ કર્યો હતો. આનાથી રોકાણકારોને એવું લાગતું હતું કે વિશાલભાઈ પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે આ વાત વિશાલભાઈના ધ્યાનમાં આવી, ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો. આરોપીઓએ નોટરી સમક્ષ એક બાંહેધરી લેખ પણ લખી આપ્યો હતો કે વિશાલ રાવને આ પેઢી સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં, ભૂતકાળમાં વેપારીના નામનો ઘણો ગેરફાયદો ઉઠાવવામાં આવ્યો હતો.
નવસારીમાં નાણા બમણા કરવાની લાલચ આપી ₹42.85 લાખની છેતરપિંડી:વેપારીની પેઢીના નામે મેનેજરે પણ દગો દીધો, 3 સામે ગુનો દાખલ
📅 Published: September 3, 2026 |
📂 Category: gujarati-news
