જામનગરના એરફોર્સ રોડ-2 પર આવેલા અવધ એપાર્ટમેન્ટના પહેલા માળે બાથરૂમમાં અચાનક ફસાઈ ગયેલી એક બાળકીને ફાયર બ્રિગેડની ટીમે માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં હાથ ધરેલા રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સલામત રીતે બહાર કાઢી હતી. ઘટના અંગે પ્રિયંકાબેન નામના મહિલાએ ફાયર વિભાગને ઈમરજન્સી કોલ કરીને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળતા જ ફાયર ફાઈટરો સ્થળ પર દોડી ગયા હતા. જવાનોએ સમયસૂચકતા વાપરી બિલ્ડિંગની ગ્રીલ પર ચઢી, બાથરૂમની કાચની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને માસૂમને હેમખેમ ઉગારી માતાને સોંપી હતી. ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરાઈ એરફોર્સ રોડ-2 પર સ્થિત અવધ એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ મકાનના બાથરૂમમાં બાળકી અચાનક લોક થઈ ગઈ હતી. બાળકી અંદર ફસાઈ જતાં જ પ્રિયંકાબેન નામના મહિલાએ તરત જ સમય સૂચકતા વાપરીને ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો અને આ બનાવ અંગેની વિગતવાર જાણ કરી મદદ માંગી હતી. બાળકીના રડવાનો અવાજ સંભળાયો બાળકી ફસાયાનો ઈમરજન્સી કોલ મળતાં જ ફાયર બ્રિગેડની એક ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનો સ્થળ પર પહોંચ્યા ત્યારે બાથરૂમમાંથી બાળકીના જોરજોરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો અને બહાર બાળકીની માતા અત્યંત ચિંતિત તથા ગભરાયેલી હાલતમાં ઊભી હતી. ગ્રીલ પર ચઢી કાચ તોડ્યો બાળકી સુધી વહેલી તકે પહોંચવા માટે ફાયર જવાનોએ એપાર્ટમેન્ટની ગ્રીલનો સહારો લઈ ઉપર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. બાથરૂમની કાચની બારી બચાવ કામગીરીમાં અવરોધ ઊભો કરતી હોવાથી જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક કાચ તોડ્યો હતો અને તેના ટુકડા સુરક્ષિત રીતે નીચે ફેંકી દીધા હતા. માતાની આંખમાં ખુશીના આંસુ કાચ હટાવીને જગ્યા બનાવ્યા બાદ ફાયર જવાનો બાથરૂમની અંદર દાખલ થયા હતા અને ફસાયેલી બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવ્યા હતા. પોતાની દીકરીને નજર સામે સાવ સલામત જોઈને ગભરાયેલી માતાની આંખમાંથી ખુશીના આંસુ વહી ગયા હતા અને તેમણે ફાયર બ્રિગેડના જવાનોનો દિલથી આભાર માન્યો હતો. 10 મિનિટમાં સફળ કામગીરી આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર બ્રિગેડના જવાનો જાડેજા ઋષિરાજસિંહ, વાળા રવિ, વાઢેર અર્જુનસિંહ અને જેઠવા જીત જોડાયા હતા. ફાયર ફાઈટરોની હિંમત, ત્વરિત નિર્ણયશક્તિ અને સમયસૂચકતાના કારણે માત્ર 10 મિનિટમાં જ બાળકીને સહીસલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગ્રીલ પર ચઢી બારીનો કાચ તોડી બાળકીનું 10 મિનિટમાં રેસ્ક્યૂ:જામનગરમાં એપાર્ટમેન્ટના બાથરૂમમાં બાળકી ફસાઈ હતી; ફાયર બ્રિગેડની સર્કતાથી માતાની આંખમાં ખુશીના આંસું
📅 Published: September 3, 2026 |
📂 Category: gujarati-news
