આવો રે આવો રે ઓ ચિત્તડું ચોરી

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

આવો રે આવો રે ઓ ચિત્તડું ચોરી

જાનારા ! મને મોતના વાગે ભણકારા

હુતૂતૂતૂ જામી રમતની ઋતુ..

અમથું જરાક અમે પૂછયું કે કેમ છો..

પિયુ મારો લજામણીનો છોડ..

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ..

કોયલ ઊડી રે ગઈ ને પગલાં..

કાનમાં પવન કહીને ચાલ્યો કે..

આ અને આવી 750 ઉપરાંત સુગમ રચનાઓના સૂરીલા સ્વરકાર ગૌરાંગ વ્યાસે ગઈ કાલે વિદાય લીધી. ગુજરાતી સુગમ સંગીત અને ફ્લ્મિ સંગીત એમ બંને ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર આ સ્વરકારની સ્વરયાત્રાનાં કેટલાક મનોહર મુકામ પર નજર કરીએ.

ગુજરાતને ગાતું કરનાર’ એવા ગરિમાપૂર્ણ ‘વાગ્ગેયકાર’ અવિનાશ વ્યાસના પનોતા પુત્ર ગૌરાંગભાઈનો જન્મ 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈ ખાતે થયો. પિતાનો કલાવારસો ગળથૂથીમાં લઈને જન્મેલ ગૌરાંગભાઈએ 5 વર્ષની શિશુવયે બાજુમાં પડેલ હાર્મોનિયમ પર ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ની ધુન વગાડી તો પિતા રાજીના રેડ થઈ ગયા.

આ ચિરંજીવી ક્ષણોને યાદ કરતાં ભાવવિભોર થઈને ગૌરાંગભાઈએ નંદિની ત્રિવેદીને એક મુલાકાતમાં કહેલું :

”એ વખતે તેમણે આ વારસપુત્રમાં સૌ પ્રથમવાર સંગીતનો પહેલવહેલો છાંટો જોયો હશે. એમણે મારી પીઠ થાબડી હતી. એ વખતના તેમના હાથનો હૂંફાળો સ્પર્શ હું આજેય અનુભવું છું.”

મોટા થઈને ગૌરાંગભાઈને તો એન્જિનિયર બનવું હતું, પણ મુંબઈમાં એડમિશન ન મળતાં તેઓ 1959માં 21 વર્ષની વયે અમદાવાદ આવ્યા અને ત્યાં જ મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા અભ્યાસ પણ કર્યો. એ જ સમયગાળામાં ગૌરાંગભાઈ અમદાવાદ ખાતે રાસબિહારી- વિભા દેસાઈએ 1961માં સ્થાપેલ સાંગીતિક સંસ્થા ‘શ્રુતિ’ સાથે અને સમાંતરે અમદાવાદમાં આયોજિત થતા રહેતા સાંગીતિક ઉપક્રમો સાથે પણ સંકળાતા રહ્યા. આમ, 1960માં શરૂ થયેલ ગૌરાંગભાઈની સંગીતયાત્રા પૂરા 65 વર્ષ સુધી સાતત્યપૂર્વક ચાલતી રહી.

1969માં રજૂ થયેલ પ્રથમ રંગીન ગુજરાતી ફ્લ્મિ ‘લીલુડી ધરતી’ માટે તેઓ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે સંગીતકાર તરીકે જોડાયા, જેનાં સંગીત માટે તેમને ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળ્યો. આ પછી 1970માં પ્રથમ ગુજરાતી ઈસ્ટમેનકલર ફ્લ્મિ ‘જેસલ તોરલ’માં પિતાજીના સહાયક તરીકે સેવાઓ આપીને ગૌરાંગભાઈ સાંગીતિક બારીકીઓ શીખતાં રહીને જાતને સમૃદ્ધ કરતા રહ્યા.

1976માં ગૌરાંગભાઈની કારકિર્દીનો પ્રવાહ પલટાયો. દિગંત ઓઝાની ફ્લ્મિ ‘લાખો ફૂલાણી’માં તેઐ સ્વતંત્રપણે સંગીત નિયોજક બન્યા. આ ફ્લ્મિમાં મણિયારો’ ગવડાવીને તેમણે પ્રફુલ્લ દવેને પ્રથમ તક આપી, જે આગળ જતાં ગુજરાતી ફ્લ્મિસંગીતના ‘સ્ટાર સિંગર’ બન્યા. ગૌરાંગભાઈએ આ પછી કુલ 140 જેટલી ફ્લ્મિોમાં સંગીત પીરસ્યું, જે પૈકી 18 ફ્લ્મિોમાં તેમને ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો ગુજરાત સરકારનો એવોર્ડ મળેલ. ગૌરાંગ વ્યાસની અજોડ સિદ્ધિ એ છે કે તેઓ પ્રથમ પંક્તિના બિન ગુજરાતી ગાયકોને ગુજરાતી ફ્લ્મિક્ષેત્રે લઈ આવ્યા. આ બિનગુજરાતી ગાયકોમાં સમાવિષ્ટ છે લતાજી, આશાજી, સુમન કલ્યાણપુર, મુકેશ, કિશોરકુમાર, મન્નાડે, મહેન્દ્રકપુર ઉપરાંત ભુપેન્દ્રસીંગ, જગજિતસીંગ, સુરેશ વાડકર, સોનુ નિગમ, સાધના સરગમ, અલકા યાજ્ઞિક ઈત્યાદિ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *