અમદાવાદમાં શુક્રવારે જન્માષ્ટમીની હર્ષોલ્લાસ, ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાશે. આ માટેની મંદિરોમાં, ભક્તોના ઘરોમાં તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઇ છે. જય શ્રી કૃષ્ણ, મંદિરમાં કોણ છે ..રાજા રણછોડ છે, નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલકી સહિતનો જયઘોષ આખો દિવસ શહેરમાં ગુંજશે. શહેરના વિવિધ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ક્યાંક રંગબેરંગી ફૂલોથી મંદિર સજાવાયું છે તો ક્યાંક રોશનીના ઝળહળાટ વચ્ચે બાળ ગોપાલના હિંડોળા તૈયાર કરાયા છે. સવારથી જ ભક્તિગીતો અને કૃષ્ણનામના ગુંજારવથી ધાર્મિક માહોલ સર્જાશે અને રાત્રે મધરાતે કાનુડાના જન્મ સાથે સમગ્ર વાતાવરણ ‘નંદ ઘેર આનંદ ભયો’ ના જયઘોષથી ગુંજી ઊઠશે.
આ વર્ષે જન્માષ્ટમીએ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હોવાથી આ સંયોગને વિશેષ ગણવામાં આવી રહ્યો છે. જેને લઇને આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણીનો આનંદ બેવડાઇ ગયો છે. ભક્તો દ્વારા આ દિવસે ઉપવાસ રખાય છે. ઘરોમાં બાલકૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવી નવા વસ્ત્ર્રો, મોરપીંછ, આભૂષણ અને ફૂલોથી શણગારવામાં આવે છે. ઘરો અને મંદિરોમાં બાલ ગોપાલને સુંદર હિંડોળામાં બિરાજમાન કરી ભક્તો હિંડોળો ઝુલાવે છે. ભગવાન કૃષ્ણને અતિ પ્રિય માખણ-મિશ્રી ઉપરાંત દૂધ, દહીં, ફ્ળો અને મીઠાઈનો નૈવેદ્ય ધરાવાય છે. મંદિરોમાં દિવસભર કૃષ્ણ ભજન, કીર્તન, ધૂન અને ધાર્મિક કાર્યક્રમોની ભરમારથી ભક્તિમય માહોલ સર્જાશે. હજારોની સંખ્યામાં ભક્તિ મંદિરોમાં દર્શનાર્થે ઉમટી પડશે. ગોકુળ, વૃંદાવન, નંદભવન અને શ્રીકૃષ્ણના બાળસ્વરૂપની સુંદર ઝાંખી બનાવવી, નાના બાળકોને કાનુડો અને રાધાના વેશ ધારણ કરાવવીને કૃષ્ણલીલીઓ ભજવવાની પણ તૈયારીઓ કરી દેવાઇ છે. રાત્રે 12 વાગ્યા ભગવાન કૃષ્ણના જન્મની સાથે જ ભગવાનની મૂર્તિને દૂધ, દહીં, ઘી, મધ અને અન્ય પવિત્ર દ્રવ્યો વડે અભિષેક કરાશે. મંદિરોમાં શંખનાદ કરીને ‘ જય શ્રીકૃષ્ણ ‘ , ‘ જય કનૈયાલાલ કી ‘ના જયઘોષ સાથે ભક્તો ઝૂમી ઉઠશે. મંદિરોમાં વિશેષ આરતી કરવી, પારણું ઝૂલાવવું અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. અમદાવાદમાં જન્માષ્ટમીના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા દહીં-હાંડી અને મટકી ફોડ કાર્યક્રમો યોજાશે. ઘણા પરિવારો જન્માષ્ટમીના દિવસે ઘરમાં ગોકુળનું દ્રશ્ય, યશોદા-નંદભવન અને બાલકૃષ્ણની નાની ઝાંખી તૈયાર કરે છે અને આખો દિવસ કૃષ્ણભક્તિમાં તલ્લીન થઇ જાય છે. જન્માષ્ટમીનો દિવસ ઉપવાસ, પૂજા, શણગાર, હિંડોળો, ભજન-કીર્તન, ઝાંખી અને અંતે મધરાતે શ્રીકૃષ્ણના જન્મોત્સવ તથા મહાઆરતીથી શહેરભરમાં ભક્તિમય માહોલ સર્જાય છે.
