પ્રભુ સમીપે જવાનો માર્ગ મોહમાયાનો ત્યાગ છે, અનેક ગ્રંથોમાં એ આલેખાયેલું છે પણ આપણે થોડા એ હજાર હાથવાળા હરિ હતા, કે ફટ દઇને પ્રીયજનો અને અઢળક રાજપાઠ છોડીને બીજે જઇ શકીએ? આપણે કૃષ્ણની લીલા, એમનો પ્રેમ, એમનું બુદ્ધિચાતુર્ય, એમનું શૌર્ય, એમનું છળકપટ એ વિશે તો બહુ વાતો કરીએ છીએ, પણ આ બધાંથી વિશેષ એમનો ત્યાગ હતો જેને વિશે ભાગ્યે જ કોઇ વાત કરે છે. ખરી વાત તો એ છે કે જેમને આપણે પૂર્ણ પુરુષોત્તમ, લીલાધર અને દ્વારકાધીશ કહીને પૂજીએ છીએ, એ કૃષ્ણના જીવનનો સૌથી મોટો અને ગૂઢ શૃંગાર જો કોઈ હોય તો એ એમનો `અવિરત ત્યાગ’ જ છે. જગત કૃષ્ણના મુગટ પરનું મોરપીંછ જુએ છે, પણ એ મોરપીંછ પાછળ છુપાયેલા વિયોગની અનેક વેદનાઓ બહુ ઓછા અનુભવે છે. કૃષ્ણનું આખું જીવન એટલે પોતાની સૌથી વહાલી વસ્તુઓ અને પ્રિયજનોને હસતા મુખે સમાજ અને ધર્મના કલ્યાણ માટે હોમી દેવાની એક કરુણ અને પવિત્ર યાત્રા.
જન્મથી શરૂ થયેલો ત્યાગ
કૃષ્ણના જીવનમાં ત્યાગનો અધ્યાય એમના જન્મથી જ શરૂ થઈ ગયો હતો. જે મા દેવકીએ એમને નવ-નવ મહિના પોતાના ગર્ભમાં રાખીને કંસના કારાગૃહની યાતનાઓ વેઠી, એ કૃષ્ણએ જન્મતાં જ સગી માના ખોળાનો ત્યાગ કરવો પડ્યો. ત્યારબાદ ગોકુળ આવ્યા, જ્યાં મા યશોદાએ એમને પોતાના પ્રાણથી પણ વધુ લાડ લડાવ્યા. ગોકુળની ગલીઓ, કદંબની ડાળીઓ અને માખણથી ભરેલી મટુકીઓ જે કૃષ્ણની બાળલીલાનું કેન્દ્ર હતી, એ માખણનો ત્યાગ એમણે એક જ ક્ષણમાં કરી દીધો. કંસવધ માટે જ્યારે મથુરા જવા માટે અક્રૂરજીનો રથ આવ્યો, ત્યારે કૃષ્ણએ યશોદા માના વાત્સલ્યનો એવો ત્યાગ કર્યો કે જીવનભર ફરી ક્યારેય ગોકુળ પાછા ન ફર્યા. એમણે રડતી માને ત્યજી હતી.
સખાઓ અને બાળપણનો ત્યાગ
જે ગોકુળમાં ગાયો ચરાવી હતી, જ્યાં સુદામા અને ગોપ-ગોપીઓ સાથે નિશ્ચલ પ્રેમ અને મસ્તીથી બાળપણ વિતાવ્યું હતું, એ તમામ સખાઓ અને સંગાથનો કૃષ્ણએ એક ઝાટકે ત્યાગ કરી દીધો. બાળપણનું એ નિર્દોષ જીવન છોડીને એમણે રાજનીતિ અને કર્તવ્યના કઠિન માર્ગ પર કદમ મૂક્યા.
રાધાજી, વાંસળી અને રાસલીલાનો અંતિમ ત્યાગ
કૃષ્ણના ત્યાગની અતિ-સંવેદનશીલ અને હૃદયસ્પર્શી કડી એટલે રાધાજીનો ત્યાગ. રાધા અને કૃષ્ણ બે દેહ પણ એક આત્મા હતાં, પરંતુ મથુરા જતી વખતે કૃષ્ણએ રાધાનો જે ત્યાગ કર્યો, તે પ્રેમનો સર્વોચ્ચ દાખલો છે. ગોકુળથી નીકળ્યા પછી કૃષ્ણએ ફરી ક્યારેય રાધાજી સામે ન જોયું, ફરી ક્યારેય રાસલીલા ન કરી. એ જ દિવસે, વિરહની એ આખરી ક્ષણે, કૃષ્ણએ પોતાની પ્રાણપ્રિય વાંસળી રાધાના હાથમાં સોંપી દીધી. એ વાંસળી, જેના સૂર પર આખું વ્રજ ઝૂમી ઊઠતું હતું, તેને કૃષ્ણએ કાયમ માટે ત્યાગી દીધી અને જીવનમાં ફરી ક્યારેય વાંસળી ન વગાડી.
રાજસુખ અને માન-સન્માનનો ત્યાગ
કૃષ્ણ માત્ર ભૌતિક સંબંધોનો ત્યાગ કરીને અટક્યા નહીં, એમણે પોતાના માન-સન્માનનો પણ ત્યાગ કર્યો. જ્યારે જરાસંધે મથુરા પર સત્તર-સત્તર વાર આક્રમણ કર્યું, ત્યારે મથુરાની નિર્દોષ પ્રજાનું લોહી ન વહે તે માટે કૃષ્ણએ મથુરા છોડી દીધું. આખી દુનિયાએ એમને `રણછોડ’ કહીને મેણાં માર્યાં, પણ પ્રજાના રક્ષણ માટે એમણે એ અપમાન હસતા મુખે સ્વીકારી લીધું.
મહાભારતના યુદ્ધમાં આખા અખિલ બ્રહ્માંડના સ્વામી હોવા છતાં કોઈ શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી અને અર્જુનના રથના એક સામાન્ય `સારથિ’ બનવાનું સ્વીકાર્યું. તેમણે પોતાનું તમામ કૌશલ્ય, સમય અને શક્તિ પાંડવો અને ધર્મના રક્ષણ માટે હોમી દીધા હતાં.
ગાંધારીનો શાપ અને યાદવ કુળનો નાશ
કૃષ્ણના ત્યાગની પરાકાષ્ઠા તો જીવનના અંતિમ પડાવ પર જોવા મળી. મહાભારતનું ભીષણ યુદ્ધ પૂરું થયા પછી, પોતાના 100 પુત્રોના શોકમાં ડૂબેલી માતા ગાંધારીએ ભારે ક્રોધ અને વિષાદમાં આવીને કૃષ્ણને શાપ આપ્યો: `જે રીતે મારા કૌરવ વંશનો નાશ થયો છે, તે જ રીતે તારા યાદવ કુળનો પણ અંદરોઅંદર લડીને સર્વનાશ થશે અને તારું મૃત્યુ પણ એક અનાથની જેમ થશે.’ આ શાપ વખતે પણ શ્રી હરિ હસતાં મુખે ત્યાં ઊભા હતા. અલબત્ત, અનંત શક્તિઓના માલિક કૃષ્ણ ચાહત તો એ શાપને ક્ષણવારમાં નિષ્ફળ બનાવી શક્યા હોત, પરંતુ સંસારના નિયમો, ધર્મની મર્યાદા અને એક માતાના શોકનું સન્માન કરવા માટે એમણે હાથ જોડીને, ચહેરા પર એ જ મંદ સ્મિત રાખીને શાપને સ્વીકારી લીધો. પોતાની નજર સામે પોતાના જ વંશનો અને યાદવોનો નાશ થતો જોવો, પોતાની સોનાની નગરી દ્વારકાને સમુદ્રમાં ગરકાવ થતી જોવી અને અંતે પ્રભાસ ક્ષેત્રમાં એક વૃક્ષ નીચે બેસીને એક સામાન્ય પારધીના ઝેરી બાણથી પોતાના દેહનો ત્યાગ કરવો, આનાથી મોટો અને કરુણ ત્યાગ માનવ ઇતિહાસમાં બીજો કયો હોઈ શકે?
