Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી સુવર્ણ નગરી દ્વારકામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના આ પાવન પર્વ નિમિત્તે સમગ્ર દ્વારકા નગરી અને જગત મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી લાઈટોથી ઝળહળતી દ્વારકા નગરી કોઈ નવોઢા જેવી ભાસી રહી છે, અને સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું છે.

મંગળા આરતીથી જ ભક્તોનું ઘોડાપૂર

ભગવાન દ્વારકાધીશના દર્શનનું જન્માષ્ટમીના દિવસે વિશેષ મહત્વ હોય છે. આથી, વહેલી સવારે ખુલતા મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારના 6:00 વાગ્યાથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. પોતાના વ્હાલા કાનુડાના એક ઝલક પામવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી અહી પહોંચ્યા છે.

‘જય દ્વારકાધીશ’ના નાદથી ગુંજ્યું જગત મંદિર

દ્વારકાધીશના દર્શને ઉમટેલા શ્રદ્ધાળુઓમાં જબરદસ્ત ભક્તિભાવ અને ઊર્જા જોવા મળી રહી છે. હજારો ભક્તોના મુખેથી નીકળતા ‘જય દ્વારકાધીશ’, ‘હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી’ અને ‘નંદ ઘેર આનંદ ભયો’ના ગગનભેદી નાદથી સમગ્ર દ્વારકા નગરી ગુંજી ઉઠી છે. ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈને નાચતા-ગાતા નજરે પડી રહ્યા છે.

દર્શન માટે લાંબી કતારો અને સુદ્રઢ વ્યવસ્થા

વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. દર્શનાર્થીઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોને દર્શન કરવામાં કોઈ જ અગવડતા ન પડે તે માટે બેરિકેડિંગ અને પીવાના પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *