Ahmedabad News: વેપારીઓને સાત જ દિવસમાં GST રિફંડ મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે

📅 Published: September 4, 2026 | 📂 Category: Ahmedabad

GST રીફંડ મેળવવા માટે વેપારીઓએ સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.તેના કારણે વેપારીઓની મુડી પણ રોકાઇ જતી હોવાના લીધે વેપારનો વ્યાપ વધારવામાં પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો.તેના નિરાકરણ માટે આગામી દિવસોમાં વેપારીઓને GST રીફંડ સાત જ દિવસમાં મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.જેથી વેપારીઓએ રીફંડ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી છુટકારો થવાનો છે.

કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત પર વિચારણા

ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડમાં થતા વિલંબના કારણે વેપારીઓની વર્કિંગ કેપિટલ લાંબા સમય સુધી બ્લોક થઈ જવાની સમસ્યા કાયમી ઉકેલ લાવવા માટે સરકાર કવાયત કરી રહી છે.12 સપ્ટેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં 90 ટકા આઈટીસી રિફંડને સંપૂર્ણપણે સિસ્ટમ આધારિત અને રિસ્ક બેઝડ હેઠળ લાવવા માટે જીએસટી કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત પર વિચારણા થવાની શક્યતા છે.હાલમાં 90 ટકા પ્રોવિઝનલ રિફંડ માટે ટેક્સ અધિકારી ચકાસણી કરે છે કે કરદાતા લો-રિસ્ક કેટેગરીમાં છે કે નહીં.નવી વ્યવસ્થા હેઠળ અધિકારીના બદલે સિસ્ટમ પોતે ડેટા અને રિસ્ક સ્કોરના આધારે આપોઆપ નિર્ણય લેશે. 

માત્ર સાત દિવસમાં પ્રોસેસ થઈને રિલીઝ થઈ જશે

ઓછા જોખમ ધરાવતા દાવાઓ માત્ર સાત દિવસમાં પ્રોસેસ થઈને રિલીઝ થઈ જશે.જયારે બાકીના 10 ટકા સામાન્ય ચકાસણી બાદ છૂટા કરાશે.સરકારનો ઉદેશય આવકવેરા રિફંડની જેમ જીએસટી રિફંડમાં પણ પારદર્શિતા અને ઝડપ લાવવાનો છે.જેથી કરદાતાઓને ખાતરી રહે કે વધારાનો ટેક્સ ઝડપથી પરત મળશે.આ વ્યવસ્થા સમગ્ર સિસ્ટમમાં કાયમી ધોરણે લાગુ કરવાની હોવાથી જીએસટી એક્ટમાં સુધારો કરવો જરૂરી બનશે.જેને જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં મંજૂરી અપાય તેવી પ્રબળ સંભાવના છે.

લેખિતમાં ફરિયાદ પણ કેન્દ્રના નાણાંમંત્રીને કરાઈ

90 ટકા કિસ્સામાં સિસ્ટમ આધારીત રીફંડ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવવાના કારણે હાલમાં વેપારીઓએ નિયમોનુસાર રીફંડ લેવા માટે પણ અધિકારીઓને ટકાવારી ચુકવવી પડતી હતી.તે અંગેની લેખિતમાં ફરિયાદ પણ કેન્દ્રના નાણાંમંત્રીને કરવામાં આવી હતી.આ ઉપરાંત રીફંડ વેપારીઓને ચુકવવાનો નિયમ 60 દિવસનો છે.તે દિવસોમાં પણ ઘટાડો થવાનો સીધો ફાયદો વેપારીઓને આગામી દિવસોમાં મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.આ કારણોસર નાના વેપારીઓને ઝડપથી રીફંડ મળવાની છેલ્લા કેટલાય સમયથી ચાલી આવતી સમસ્યાનું હવે નિરાકરણ આવે તેવી આશા હાલ તો સેવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad : માણેકચોકમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ, ધાબા પર 3 ગેસ સિલિન્ડર મળતાં મોટો સવાલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *