Surat News: સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ચેડાં, વંદા વાળુ શાક પિરસનાર એજન્સીને 10 હજારનો દંડ

📅 Published: September 4, 2026 | 📂 Category: Surat

સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કરીને ચલાવાતી સુરતની સમરસ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.મેસ સંચાલકો દ્વારા પીરસાતા અખાદ્ય અને હલકી ગુણવત્તાના ભોજન સામે વિદ્યાર્થીઓએ આકોશ વ્યક્ત કરી ધરણાં યોજ્યા છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલ્યું નથી.કસૂરવાર એજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરી કાયદેસરનાં પગલાં ભરવાને બદલે બાબુઓએ માત્ર 10 હજાર રૂપિયાનો નજીવો દંડ ફટકારી સમગ્ર કૌભાંડ પર ઢાંકપિછોડો કરવાનો નવો કીમિયો અજમાવ્યો છે.

તંત્રને જવાબ આપવાની તસ્દી પણ લીધી નથી

સમરસ હોસ્ટેલમાં રહેતા સેંકડો વિદ્યાર્થીઓના જીવન અને આરોગ્યની કિંમત તંત્રએ જાણે માત્ર 10 હજાર રૂપિયા આંકી લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.સમરસ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં સતત બે દિવસ સુધી ભોજનની ગુણવત્તા અને પાણીની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન કરવું પડયું હતું.આ મામલે TDO દ્વારા ભોજનની ગંભીર ક્ષતિઓ અંગે એજન્સીને કારણદર્શક નોટિસ આપીને 24 કલાકમાં લેખિત ખુલાસો માંગવામાં આવ્યો હતો.જોકે,સરકારી બાબુઓની ઢીલી નીતિથી ટેવાયેલી એજન્સી એટલી બેખોફ બની ચૂકી છે કે નિર્ધારિત મુદત વીતી જવા છતાં તંત્રને જવાબ આપવાની તસ્દી પણ લીધી નથી. 

 તંત્રએ માત્ર 10 હજાર રૂપિયાનો નજીવો દંડ કર્યો

આ સમગ્ર મામલે મેસ સંચાલક એજન્સીને બ્લેક લિસ્ટ કે સસ્પેન્ડ કરવાને બદલે તંત્રએ માત્ર 10 હજાર રૂપિયાનો નજીવો દંડ કર્યો છે.ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની તીવ્ર અછત અંગે પાલિકા સાથે પત્રવ્યવહાર અને સામાન્ય સમારકામનું ગાણું ગાઈને અધિકારીઓ પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યા છે.આશ્ચર્યની વાત એ છે કે ધરણા વખતે હાજર રહેલા મિત્તલ પટેલ કાર્યવાહીથી સાવ અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યા છે તો આસિસ્ટન્ટ કમિશનર આર.બી.બારડ પોતાની ખુરશી બચાવવા TDO પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.પીવાના પાણીથી માંડીને ભોજન સુધી વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે પણ તંત્ર આંધળા થઈને બહેરાનું નાટક કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Vadodara News: રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *