કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે CPLમાં ધમાકેદાર બેટિંગનો સિલસિલો ચાલુ છે.આ દરમિયાન શ્રીલંકાના પૂર્વ કેપ્ટન દસુન શનાકાએ એવી તોફાની સદી ફટકારી છે કે ક્રિકેટ જગતમાં તેમની ચર્ચા શરૂ થઈ ગઈ છે.શનાકાએ માત્ર 39 બોલમાં સદી પૂરી કરીને CPLના સૌથી ઝડપી સદીના રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સ અને સેન્ટ લુસિયા કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં શનાકાએ પોતાની બેટિંગથી વિરોધી ટીમના બોલરોની મુશ્કેલી વધારી દીધી હતી. તેમણે ચોગ્ગા અને છગ્ગાની મદદથી મેદાનના ચારેય ખૂણે રનનો વરસાદ કર્યો હતો.
માત્ર 39 બોલમાં સદી
સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમના ઓપનર કાયલ મેયર્સ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ જ્હોન્સન ચાર્લ્સ અને આન્દ્રે ફ્લેચર વચ્ચે ભાગીદારી થઈ હતી.નંબર 4 પર બેટિંગ કરવા આવેલા દસુન શનાકાએ મેદાનમાં આવતાની સાથે જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. તેમણે માત્ર 39 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તેમણે CPLના ઝડપી સદીના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.
આન્દ્રે રસેલનો રેકોર્ડ તૂટ્યો
આ પહેલાં CPLમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ આન્દ્રે રસેલના નામે હતો.વર્ષ 2018માં રસેલે 40 બોલમાં સદી ફટકારી હતી.હવે લગભગ 8 વર્ષ બાદ શનાકાએ 39 બોલમાં સદી પૂરી કરીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.રસપ્રદ વાત એ છે કે શનાકાએ માત્ર રસેલને જ પાછળ છોડ્યા નથી. ટિમ સેફર્ટ અને શિમરોન હેટમાયરે પણ CPLમાં 40 બોલમાં સદી ફટકારી હતી. શનાકાએ 39 બોલમાં સદી ફટકારીને આ બંને ખેલાડીઓનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે.
12 છગ્ગા અને 8 ચોગ્ગા
સદી પૂરી કર્યા બાદ પણ શનાકા અટક્યા નહોતા.તેમણે પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી હતી અને માત્ર 43 બોલમાં 121 રનની અણનમ ઇનિંગ રમી હતી.તેમની આ યાદગાર ઇનિંગમાં 12 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ હતા. શનાકાનો સ્ટ્રાઇક રેટ 281.40 રહ્યો હતો. તેમની તોફાની બેટિંગના કારણે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે 20 ઓવરમાં 4 વિકેટે 235 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
137 રનથી શાનદાર જીત
235 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સેન્ટ લુસિયા કિંગ્સની ટીમ દબાણમાં જોવા મળી હતી.ટીમના બેટર્સ સેન્ટ કિટ્સના બોલરો સામે ટકી શક્યા નહોતા અને સમગ્ર ટીમ માત્ર 98 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.આ સાથે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે આ મેચ 137 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી.ટીમની જીતમાં દસુન શનાકાની તોફાની સદી સૌથી મોટું કારણ બની હતી.શનાકાની આ ઇનિંગ CPLના ઇતિહાસમાં યાદગાર બની ગઈ છે. માત્ર 39 બોલમાં સદી,12 છગ્ગા અને 121 રનની અણનમ ઇનિંગ સાથે તેમણે પોતાની વિસ્ફોટક બેટિંગનો જબરદસ્ત નમૂનો રજૂ કર્યો છે.
આ પણ વાંચો – Ajit Agarkar અને રોહિત શર્મા વચ્ચે થયો વિવાદ! સામે આવ્યું મોટું કારણ
