બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાયબ પોલીસ અધિક્ષકની ટીમે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં 22,725 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારું દ્વારા દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના તમામ અધિકારીઓને અમલવારી કરવા સૂચના આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ તેમની કચેરીના અ.પો.કો. સહદેવસિંહ ડોડીયા, આ.હે.કો. ભગીરથસિંહ જાડેજા અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના અ.હે.કો. ધર્મેન્દ્રભાઈ પવાર દ્વારા પ્રોહીબીશન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાનગી બાતમીના આધારે ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના નિંગાળા ગામની સીમમાં કેરી નદીના કાંઠે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દેશી દારૂ ગાળવાનો 225 લિટર વોશ (આથો) જેની કિંમત 5,625 રૂપિયા, 85 લિટર દેશી દારૂ જેની કિંમત 17,000 રૂપિયા અને એક ટીપડું જેની કિંમત 100 રૂપિયા મળી કુલ 22,725 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં દેવશીભાઈ માથાચૌળીયા (ધંધો-મજૂરી, રહે. નિંગાળા ગામની સીમ, કેરી નદીના કાંઠે) અને રાજુભાઈ રાઠોડ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
બોટાદ DYSP ટીમે ગઢડામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી:રૂ 22,725નો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ
📅 Published: September 4, 2026 |
📂 Category: gujarati-news
