Vav Tharad : 29 મિનિટમાં ખેડૂતનું ખાતું ખાલી, 9 લાખથી વધુની મહેનતની કમાણી ગાયબ, ચોંકાવનારો કિસ્સો

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામના ખેડૂત રકમસિંહ વાઘેલા સાથે મોટો સાયબર ફ્રોડ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. પરિવારની વર્ષોની મહેનત અને બચતમાંથી એકઠા કરેલા રૂપિયા બેંકમાં સુરક્ષિત સમજી જમા કરાવ્યા હતા, પરંતુ સાયબર ઠગોએ માત્ર 29 મિનિટમાં તેમના ખાતામાંથી 9 લાખ 18 હજાર 239 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

2 મહિના પહેલા 10 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા

રકમસિંહ વાઘેલા ખેતી ઉપરાંત દિયોદર બજારમાં મોબાઇલની દુકાન ચલાવી પરિવારને આર્થિક મદદ કરે છે. ખેતીની લોન, પાક ધિરાણ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે રાત-દિવસ મહેનત કરીને પરિવાર એક-એક રૂપિયો બચાવતો હતો. આવનારા સમયમાં ભાઈ-બહેનના લગ્ન હોવાથી પણ પરિવારે બચત કરી હતી.

બેંકમાં 10 લાખ રૂપિયા જમા કરેલા હતા

ખેતરો સીમ વિસ્તારમાં હોવાથી ઘરમાં લાખો રૂપિયા રાખવામાં ચોરીનો ભય હતો. જેથી મહેનતની મૂડી સુરક્ષિત રહે તે માટે 2 મહિના પહેલા સોની ગામે આવેલી બેંકમાં 10 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.

29 મિનિટમાં 14 ટ્રાન્ઝેક્શન

1 સપ્ટેમ્બરની સવારે 11 વાગીને 1 મિનિટથી ખાતામાંથી ટ્રાન્ઝેક્શન શરૂ થયા હોવાનું સામે આવ્યું છે. સવારે 11 વાગીને 30 મિનિટ સુધીના માત્ર 29 મિનિટમાં કુલ 14 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 9 લાખ 18 હજાર 239 રૂપિયા 2 અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રથમ ટ્રાન્ઝેક્શન સમયે જાણ કરી 

ખેડૂતના જણાવ્યા મુજબ પ્રથમ ટ્રાન્ઝેક્શનની જાણ થતાં જ તેમણે બેંકનું ધ્યાન દોર્યું હતું. જોકે, તે સમયે લાઇટ ન હોવાનું કહીને બાદમાં આવવા જણાવાયું હોવાનો ખેડૂતનો આક્ષેપ છે. ખેડૂતનો સવાલ છે કે પ્રથમ ટ્રાન્ઝેક્શન સમયે જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ લાખોની મહેનતની કમાણી બચી શકી હોત.

પોલીસ તપાસ શરૂ, બેંક ખાતું સ્ટોપ કરાયું

મહેનતના રૂપિયા ગુમાવ્યા બાદ ખેડૂતે દિયોદર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે અજાણ્યા 2 UPI ID સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ, સાયબર ફ્રોડની જાણ થતાં બેંક ખાતું હાલ પૂરતું સ્ટોપ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

બેંકિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો 

ઘરમાં રાખેલા પૈસાની ચોરીનો ભય અને બેંકમાં સુરક્ષિત માનેલા રૂપિયા પણ સાયબર ઠગો ઉઠાવી જાય તો સામાન્ય માણસ વિશ્વાસ કોના પર કરે? આ ઘટનાએ સાયબર સુરક્ષા અને બેંકિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.  

આ પણ વાંચો   :     Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *