સુરતના અડાજણ વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના સનસનાટીભર્યા ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી સત્યપાલ ઉર્ફે સત્તુ શ્યામસિંહ જાદોન (ઉ.વ. 33)ને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી ઝડપી લીધો છે. જીવલેણ હુમલો આચરી નાસી છૂટેલા આ આરોપી વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ અદાલત દ્વારા વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. યુવક પર ચપ્પુ અને લાકડી વડે ઘાતકી હુમલો
આ ચકચારી ગુનાની વિગત મુજબ, આરોપીઓએ ફરિયાદીના મિત્ર સ્મિત સંગાડા સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ફરિયાદી વચ્ચે પડી મામલો શાંત પાડવા અને સમજાવવા જતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને “તું અમને સમજાવવાવાળો કોણ?” કહી ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ રાજેશ પરમાર અને તેના સાથીઓએ લાકડી વડે તેમજ ઉદય પરમારે ચપ્પુના ઘા ઝીંકી ફરિયાદીના પગ, સાથળ, કમર, પીઠ અને ગળાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ધરપકડથી બચવા હૈદરાબાદ થઈ મધ્યપ્રદેશ ભાગ્યો
ગુનો આચર્યા બાદ મુખ્ય આરોપી સત્યપાલ જાદોન સ્થાનિક પોલીસની પકડથી બચવા સુરતથી નાસીને પોતાના વતન ગયો હતો. ત્યાં પોલીસ તપાસ તેજ બનતાં તે ભાગીને સીધો હૈદરાબાદ પહોંચી ગયો હતો અને ત્યાં ટાઇલ્સ લગાવવાનું કામ કરવા લાગ્યો હતો. ધરપકડ ટાળવા માટે તે સતત પોતાના ઠેકાણા બદલતો રહ્યો હતો અને છેલ્લા એક અઠવાડિયાથી મધ્યપ્રદેશના ગ્વાલિયર ટેકનપુર ખાતે આવીને ફરી ટાઇલ્સ લગાવવાની મજૂરી કરવા લાગ્યો હતો. ટેકનિકલ-હ્યુમન સોર્સથી MPમાં ઓપરેશન પાર પાડ્યું
દરમિયાન સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સ્ક્વોડને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે આરોપીના ચોક્કસ લોકેશન અંગે મહત્વની માહિતી મળી હતી. જેના આધારે ટીમે મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત ટેકનપુર વસંતવિહાર કોલોની ખાતે તાબડતોબ છાપો મારીને સત્યપાલ ઉર્ફે સત્તુને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને અડાજણ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
અડાજણ હત્યાના પ્રયાસ કેસમાં વોન્ટેડ શખ્સ પકડાયો:હૈદરાબાદ બાદ MPમાં છુપાયેલા ટાઇલ્સ ફિટિંગના કારીગરને પોલીસે દબોચ્યો
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
