અમદાવાદના સરસપુર વિસ્તારથી 5 સપ્ટેમ્બરથી ગુમ થયેલા 20 વર્ષીય યુવકનો ગોધરા નજીકથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળે માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી છે, જ્યારે પરિવારે એક કથિત બાપુની સંડોવણી હોવાના આક્ષેપ સાથે ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે. નંદાપુરા રેલવે ફાટક પાસેથી મળી આવ્યો મૃતદેહ
ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નંદાપુરા રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પાસેથી અમદાવાદના એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવકની ઓળખ અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય મયુર જયેશ પરમાર તરીકે થઈ છે. યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી
મયુર ગત 5 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરેથી વાળ કપાવવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે પરત ફર્યો ન હતો. પરિવારજનો તેની સતત શોધખોળ કરી રહ્યા હતા, તે દરમિયાન ગોધરા તાલુકાના નંદાપુરા રેલવે ફાટક પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી અથવા ટ્રેનની અડફેટે આવવાથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવારના ચોંકાવનારા ખુલાસા અને ગંભીર આક્ષેપ
આ સમગ્ર ઘટનામાં મૃતકના પિતા જયેશ પરમારે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર છેલ્લા કેટલાક સમયથી એક કથિત ‘બાપુ’ની સંગતમાં હતો. જયેશએ આક્ષેપ કર્યો છે કે, બે દિવસ પહેલાં મયુરને ઘરે પાછો લાવવા માટે તે કથિત બાપુએ તેમની પાસે ઓનલાઈન ₹2,000ની માંગણી કરી હતી, પરંતુ પૈસા ન હોવાનું જણાવતા મામલો અટક્યો હતો. ત્યારબાદ ગઈકાલે જયેશ પર તે કથિત બાપુની પત્નીનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, “તમારો પુત્ર બાપુ જોડે છે અને તમે તેમની ઉપર કેસ કરી દો.” આ શંકાસ્પદ ફોન કૉલ અને ત્યારબાદ યુવકનો મૃતદેહ મળી આવવાની ઘટનાને પગલે પરિવારજનોમાં રોષ ફેલાયો છે. તપાસનો ધમધમાટ
ફોન કૉલ અને પિતા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને પગલે પરિવારજનોએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે. હાલ ગોધરા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોલીસ દ્વારા પિતાના નિવેદન અને કથિત બાપુની ભૂમિકા સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના યુવકની શંકાસ્પદ હાલતમાં ગોધરામાં લાશ મળી:નંદાપુરા રેલવે ફાટક નજીક ટ્રેક પાસેનો બનાવ, 5 સપ્ટેમ્બરથી મયુર પરમાર ગુમ થયો હતો, 'બાપુ'સામે આંગળી ચીંધાઈ
📅 Published: November 13, 2026 |
📂 Category: gujarati-news
