એમ્પાયર ઇવોક સોસાયટીમાં ભક્તિ, એકતા અને ઉત્સાહના અદ્ભુત સંગમ સાથે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સોસાયટીમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનું ત્રીજું વર્ષ છે, જેમાં Aથી I બ્લોકના તમામ રહીશો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. દરેક બ્લોક પોતાની આગવી શૈલી, સર્જનાત્મકતા અને સેવા ભાવના સાથે બાપાની આરાધના કરી ઉત્સવની ભવ્યતામાં વધારો કરી રહ્યો છે. આ વર્ષના ગણેશોત્સવમાં E બ્લોકના રહીશોનું આયોજન અને સેવા ભાવના વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. E બ્લોકના સભ્યોએ અનોખી થીમ, સુંદર શણગાર અને અદ્ભુત આયોજન દ્વારા તમામ સોસાયટીજનોનું ધ્યાન ખેંચ્યું છે. તેમની સેવા અને ભક્તિનો આ રુચિકર રંગ સમગ્ર સોસાયટી માટે એકતા અને સહકારનો સુંદર સંદેશ પૂરો પાડે છે. વિશેષ કાર્યક્રમના ભાગરૂપે E બ્લોકના સભ્યો દ્વારા ભગવાન ગણેશજી સાથે જોડાયેલી એક પૌરાણિક દંતકથાનું ભાવવાહી નાટ્યરૂપાંતર રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકમાં સોસાયટીના પુરુષો, મહિલાઓ અને બાળકોએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ પાત્રો ભજવ્યા હતા. નાટકમાં ભગવાન શિવ, માતા પાર્વતી, કાર્તિકેય, ગણેશજી અને નારદજી સહિતના પાત્રોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. નાટક મારફતે શિવજી અને પાર્વતીજી દ્વારા ગણેશજી તથા કાર્તિકેયને સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનો આદેશ અને ગણેશજી દ્વારા માતા-પિતાની પૂજા કરી બ્રહ્માંડ પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત કરવાનો પાવન પ્રસંગ તાદ્રશ કરવામાં આવ્યો હતો. નાટકના અંતે E બ્લોકના રહીશો દ્વારા ગણેશજીની મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીજનો જોડાઈને ધન્યતા અનુભવી હતી. સોસાયટીમાં અલગ-અલગ બ્લોક હોવા છતાં તમામ રહીશોના દિલ એક થઈને આ ઉત્સવ ઉજવી રહ્યા છે. “જ્યારે મનમાં ભક્તિ, હૃદયમાં પ્રેમ અને સાથે એકતા હોય, ત્યારે નાની સેવા પણ એક સુંદર યાદ બની જાય છે” એ ભાવના સાથે એમ્પાયર ઇવોક સોસાયટીના રહીશોએ ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદ સાથે આ ઉત્સવને યાદગાર બનાવ્યો હતો. જુઓ તસવીરો…
અમદાવાદની એમ્પાયર ઇવોક સોસાયટીમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી:રહીશો દ્વારા પૌરાણિક નાટ્યરૂપાંતર રજૂ કરાયું, મહાઆરતીમાં મોટી સંખ્યામાં જોડાયા ભક્તો
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
