અમદાવાદમાં 108 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ સાથે 3 ઝડપાયા:ગ્રાહકો પાસે બાયોમેટ્રિક કરાવી રજીસ્ટ્રેશન ફેલ થયાનું કહી એક વ્યક્તિના નામે બે-ત્રણ સીમકાર્ડ એક્ટિવ કરતા હતા

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાય તે પહેલાં જ પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડનું ગેરકાયદે વેચાણ કરતા ઉત્તરાખંડના બે શખ્સો અને સીમકાર્ડ ખરીદનાર અમદાવાદના એક શખ્સ સહિત કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 108 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ અને 5 બાયોમેટ્રિક મશીન સહિત કુલ રૂ.1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ બોગસ રિજેક્શન બતાવી થમ્બપ્રિન્ટ મેળવતા
ડીસીપી ઝોન 6 ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, કાગડાપીઠ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ સાથે અહીં આવવાના છે. આરોપીઓ કસ્ટમર પાસે સીમકાર્ડ એક્ટિવેટ કરવા માટે ફિંગરપ્રિન્ટ લેતા હતા. ત્યારબાદ સિસ્ટમમાં ભૂલ કે ‘રજીસ્ટ્રેશન ફેલ’ થવાનું ખોટું બહાનું બતાવી ગ્રાહકની 2 થી 3 વખત ફિંગરપ્રિન્ટ લઈ લેતા હતા. આ રીતે એક જ વ્યક્તિના નામે અન્ય રાજ્યોના સરનામે 2 થી 3 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ (Vi, Jio, Airtel) ચાલુ કરી લેતા હતા. આરોપીઓ સામાન્ય રીતે એક સીમકાર્ડ રૂ. 800થી 1000 માં વેચતા હતા, જ્યારે કોઈ ગુનાહિત સિન્ડિકેટ હોય તો તેમની પાસેથી રૂ.1500થી 2000 કે તેથી વધુ કિંમત વસૂલતા હતા. સોશિયલ મીડિયાથી સંપર્ક અને નેટવર્ક
માત્ર 10 અને 12 પાસ આ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા 1 થી 2 વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હતા. પોલીસે આ રેકેટના તાર અન્ય ક્યાં જોડાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *