અમદાવાદમાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કેસમાં હુકમ:પોક્સો કોર્ટે આરોપી ધર્મેશ ડોડીયાને 20 વર્ષની સખત કેદ ફટકારી

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ પોક્સો (POCSO) અદાલતે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. વર્ષ 2021માં સરખેજ વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ ગોંધી રાખી તેના પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં કોર્ટે 30 વર્ષીય આરોપી ધર્મેશ ડોડીયાને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 2021ની ઘટના: સગીરાનું અપહરણ કરી વિવિધ સ્થળે દુષ્કર્મ આચર્યું
કેસની વિગત મુજબ, અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાનું ગત 20 એપ્રિલ, 2021ના રોજ આરોપી ધર્મેશ ડોડીયા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી સગીરાને જુદી-જુદી જગ્યાએ લઈ ગયો હતો અને તેને ગોંધી રાખીને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના પિતા દ્વારા સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને સગીરાને તેના કબજામાંથી હેમખેમ મુક્ત કરાવી હતી. ‘સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા થવી જરૂરી’
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ (પ્રોસિક્યુશન) દ્વારા કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા અને સાહેદો રજૂ કરવામાં આવ્યા હતા: ફરિયાદી પિતા તેમજ અન્ય મુખ્ય સાક્ષીઓએ આરોપીને કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે ઓળખી બતાવ્યો હતો. દસ્તાવેજી તેમજ મેડિકલ પુરાવાઓના આધારે આરોપી સામેનો ગુનો શંકાથી પર સાબિત કરવામાં આવ્યો હતો. કડક સજાની માંગ કરી
પ્રોસિક્યુશને ભારપૂર્વક દલીલ કરી હતી કે, આરોપીએ પોતાની ઉંમર કરતાં અડધી વયની માસૂમ સગીરાનું અપહરણ કરી તેને પોતાની હવસનો શિકાર બનાવી છે. સમાજમાં આવા વિકૃત તત્વોમાં કાયદાનો ડર રહે અને દાખલો બેસે તે માટે કાયદા મુજબની સખતમાં સખત સજા થવી જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓને ધ્યાને રાખી અમદાવાદ પોક્સો અદાલતે આરોપી સામેનો ગુનો સાબિત માની તેને 20 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટના આ કડક વલણથી આવા ગંભીર ગુના આચરનારા તત્વો સામે સ્પષ્ટ કાયદાકીય સંદેશ ગયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *