દુબઈ એરપોર્ટ પર બાકી નીકળતા નાણાંની ચુકવણી ન થવાને કારણે સર્જાયેલા વિવાદમાં આજે(13 નવેમ્બર) સવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી દુબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટ અચાનક રદ કરવામાં આવી. આ નિર્ણયને કારણે દિવાળી વેકેશન મનાવવા દુબઈ જઈ રહેલા ગુજરાતના ઘણા મુસાફરોની યોજનાઓ ખોરવાઈ ગઈ છે. એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો અને એરલાઇનના કર્મચારીને ઘેરી લીધો હતો. આ પણ વાંચો: ગઈકાલે અમદાવાદ-નાસિકની ઈન્ડિગોની ફ્લાઈટ ટેક ઓફના એક કલાક પહેલા રદ કરાઈ હતી. રિફંડની વાત કરતાં જ મુસાફર બગડ્યા હતા
તે દરમિયાન મુસાફરો અને એરલાઇનના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. વીડિયોમાં કર્મચારીએ બોલ્યો હતો કે, આજની અને વહેલી સવારની પાંચ વાગ્યાની ફ્લાઇટ પણ સંપૂર્ણપણે રદ થઈ ગઈ છે અને મુસાફરો પાસે માત્ર રિફંડ લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કસ્ટમર સપોર્ટમાં ઈમેલ કરવાની કર્મચારીની સલાહ સાંભળીને મુસાફરો રોષે ભરાયા હતા. ‘માત્ર 10 મિનિટ કહીને બેસાડી રાખ્યા’
મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે, એરલાઇનના સ્ટાફ દ્વારા ‘માત્ર 10 મિનિટ’ અને ‘અડધો કલાક’ કહીને તેમને વહેલી સવારના પાંચ વાગ્યાથી બપોર સુધી એરપોર્ટ પર બેસાડી રાખવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ લેવલ પર હાજર કર્મચારીએ પોતે એકલા હોવાનું અને નિર્ણય લેવાની સત્તા પોતાના હાથમાં ન હોવાનું જણાવતા મુસાફરો વધુ ઉશ્કેરાયા હતા. ‘મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી’
બીજા એક વીડિયોમાં મુસાફરે કહ્યું હતું કે, અમે ગઈકાલે રાતના 12 વાગ્યાથી એરપોર્ટ પર છીએ, પરંતુ એરલાઈન કે ટર્મિનલ મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. મુસાફરોએ ફરિયાદ કરી છે કે ટર્મિનલ મેનેજર કે અન્ય કોઈ જવાબદાર અધિકારી ઘટનાસ્થળે આવવાની તસ્દી પણ લઈ રહ્યા નથી અને વારંવાર ફોન કરવા છતાં કોઈ સંપર્ક થઈ શક્યો નથી. દુબઈ એરપોર્ટ પર બાકી લેણાંનો આ વિવાદ
દુબઈ એરપોર્ટ ઓથોરિટી અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી ‘દનાતા’ (dnata)ના અંદાજે 14 મિલિયન યુએઈ દિરહામ એટલે કે લગભગ રૂપિયા 35.85 કરોડ જેટલા બાકી લેણાં ન ચૂકવાતા સ્પાઈસજેટની ચેક-ઈન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. 13 ઓક્ટોબરથી કોઈ ચુકવણી ન થઈ હોવાનું જણાવી દુબઈ એરપોર્ટ દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે, જેની સીધી અસર ભારત-દુબઈ વચ્ચેની ફ્લાઈટ્સ પર પડી છે. મુસાફરોની ધીરજ ખૂટતાં તંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી
તહેવારોની સીઝનમાં છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ થવાને કારણે અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, જેના પગલે સમગ્ર પરિસરમાં રોષ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી રાહ જોઈ રહેલા મુસાફરોની ધીરજ ખૂટતાં તેમણે વહીવટીતંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી આક્ષેપ કર્યો હતો કે માત્ર ઔપચારિક ફરિયાદ નોંધાવવાનું કહીને સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી. આખરે કંટાળીને મુસાફરોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી મીડિયાના માધ્યમથી એરપોર્ટ સત્તાધીશોની નિષ્ક્રિયતા ઉજાગર કરી હતી, જ્યારે બીજી તરફ એરલાઈન દ્વારા સંબંધિત ઓથોરિટી સાથે મળીને આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જણાવાયું છે.
અમદાવાદ-દુબઈ ફ્લાઈટ રદ, સતત બીજા દિવસે હોબાળો:મુસાફરો સ્ટાફ પર બગડ્યા- માત્ર 10 મિનિટ કહીને બેસાડી રાખ્યા, દુબઈ એરપોર્ટ પર બાકી લેણાંના વિવાદની અસર
📅 Published: November 13, 2026 |
📂 Category: gujarati-news
