અમદાવાદ મનપાને ₹12 કરોડનો ફટકો:ફેક્ટરીઓના કેમિકલથી ગટર લાઇનો અને મશીનરી ખવાઈ ગઈ, પીરાણા STP પ્લાન્ટ ડેમેજ

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા જ્વલનશીલ અને ઝેરી કેમિકલયુક્ત પાણીના કારણે ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો ફટકો પડ્યો છે. બહેરામપુરા, દાણીલીમડા અને પીરાણા નજીક આવેલી ફેક્ટરીઓમાંથી બેરોકટોક વહેવડાવાતા એસિડિક પ્રવાહીને લીધે પીરાણા સ્થિત 180 એમએલડી (MLD) ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની ભારે મશીનરીઓ ખવાઈ ગઈ છે. આ અત્યાધુનિક મશીનરીઓ સદંતર બગડી જતાં તેને બદલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) હવે પ્રજાની તિજોરીમાંથી ₹12 કરોડનો તોતિંગ ખર્ચ કરવો પડે તેવી નોબત આવી છે. કાગળ પર ટ્રીટમેન્ટનો દાવો, વાસ્તવમાં સીધું ગટરમાં નિકાલ
AMC ઇજનેર ખાતાના આધારભૂત સૂત્રો મુજબ, શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા ઔદ્યોગિક એસ્ટેટમાંથી અનેક એકમો કેમિકલયુક્ત ઝેરી પાણીને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ્યા વગર જ છૂપા ગટર જોડાણો મારફતે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ડ્રેનેજ લાઇનમાં ઠાલવી રહ્યા છે. નારોલ, દાણીલીમડા અને બહેરામપુરા પંથકમાં 400થી વધુ ફેક્ટરીઓ ધમધમી રહી છે. આ ફેક્ટરીઓ પોતાના દસ્તાવેજોમાં એવો દાવો કરે છે કે તેઓ પાણીને ઈટીપી (ETP) પ્લાન્ટમાં ટ્રીટ કરીને જ છોડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ડ્રેનેજ લાઇનોમાં હજુ પણ ભારે કેમિકલયુક્ત પ્રવાહી વહી રહ્યું છે. પીરાણા બાદ વાસણા અને વિંઝોલ પ્લાન્ટની મશીનરીઓ પણ બદલવી પડશે
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માત્ર સામાન્ય ઘરેલું ગટરના પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ ઔદ્યોગિક કેમિકલયુક્ત એસિડિક પાણી સતત આવવાના કારણે પમ્પિંગ સ્ટેશનના મોટરો, વાલ્વ અને પાઇપો સંપૂર્ણપણે ક્ષાર અને કાટ લાગવાથી ખવાઈ ચૂક્યા છે. 180 MLD ના પ્લાન્ટમાં ₹12 કરોડનો ખર્ચ કર્યા બાદ પીરાણા ખાતેના અન્ય 155 MLD પ્લાન્ટની પમ્પિંગ મશીનરી પણ બદલવામાં આવશે. આ સિવાય વાસણા એસટીપી પ્લાન્ટની મશીનરી પહેલેથી જ ડેમેજ થઈ ગઈ હોવાથી બદલવી પડી છે, જ્યારે આગામી દિવસોમાં વિંઝોલ ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનમાં પણ આ જ પરિસ્થિતિને પગલે સાધનો બદલવાની કવાયત હાથ ધરાશે. GPCB અને મનપાના ઇજનેર વિભાગની ભેદી મિલીભગત સામે સવાલો
ઉદ્યોગો દ્વારા થતા ગેરકાયદે પ્રદૂષણને અટકાવવાની સીધી જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને એએમસીના ઇજનેર વિભાગની છે. તેમ છતાં વર્ષોથી આ સમગ્ર કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. તંત્ર દ્વારા માત્ર કાગળ પર નોટિસો ફટકારી સંતોષ માની લેવાતો હોવાથી અને અધિકારીઓની મિલીભગત હોવાની ચર્ચાઓ વચ્ચે આ બેદરકારીનો મોટો આર્થિક બોજ હવે શહેરના કરદાતા નાગરિકોના માથે લાદવામાં આવી રહ્યો છે. પ્રદૂષણ ફેલાવતા મૂળ કારખાનેદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *