અમરેલીના માલકનેશમાં મારણ કરી સિંહ ઘરમાં ઘૂસ્યો:કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો; લોકો ભયભીત થઈ છત પર ચડી ગયા; વનવિભાગે ટ્રાન્ક્વીલાઈઝ કરી રેસ્ક્યુ કર્યું

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જૂના માલકનેશ ગામમાં વહેલી સવારે એક સિંહ રહેણાંક મકાનમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે સિંહોએ પશુનું મારણ કર્યા બાદ એક સિંહ અમરૂભાઈ વરુના ઘરમાં પ્રવેશીને ઓરડામાં બેસી ગયો હતો. ગામજનોએ ઓરડાનો દરવાજો બંધ કર્યો
સિંહ કલાકો સુધી ઓરડામાંથી બહાર ન નીકળતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સાવચેતીના ભાગરૂપે સ્થાનિક લોકોએ હિંમત દાખવી ઓરડાનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને તાત્કાલિક વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી. વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી
ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ, ટ્રેકર્સ અને ટેકનિકલ ટીમ તુરંત માલકનેશ ગામે દોડી આવી હતી. વનવિભાગના આરએફઓ નીપુલ લકુમ અને વેટરનરી ડોક્ટરની ટીમે સ્થિતિનો તાગ મેળવી સિંહને સુરક્ષિત રીતે બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટ્રાન્ક્વીલાઈઝ કરીને સિંહનું રેસ્ક્યુ કરાયું
વનવિભાગની ટીમે સિંહને ટ્રાન્ક્વીલાઈઝર ગન વડે બેભાન કરી સુરક્ષિત રીતે પાંજરામાં પૂરી દીધો હતો. કલાકો સુધી ચાલેલું આ જટિલ રેસ્ક્યુ ઓપરેશન વનવિભાગની ટીમે કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર પાડીને સ્થાનિકોને ભયમુક્ત કર્યા હતા. જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો
સફળ રેસ્ક્યુ બાદ સિંહને પાંજરા સાથે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિંહ સુરક્ષિત રીતે પકડાઈ જતાં અને કોઈ જાનહાનિ ન થતાં માલકનેશ ગામના લોકો તેમજ વનવિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *