અમરેલીમાં રાજ્યનો પ્રથમ, દેશનો બીજો Bio-CBG પ્લાન્ટ બનશે:75 કરોડના ખર્ચે નિર્માણ, નેપિયર ઘાસ અને કૃષિ અવશેષોમાંથી દરરોજ 10 ટન ગેસનું ઉત્પાદન થશે, પ્લાન્ટના અવશેષોમાંથી જૈવિક ખાતર બનાવાશે

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાના શેડુભાર ગામે ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટી પહેલ હાથ ધરવામાં આવી છે. અહીં અંદાજે ₹70થી 75 કરોડના ખર્ચે Bio-CBG પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગોપીનાથ Bio-CBG LLP દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં નેપિયર ઘાસ અને વિવિધ કૃષિ અવશેષોમાંથી Bio-CBG ગેસનું ઉત્પાદન કરવામાં આવશે. આગામી આઠ મહિનામાં પ્લાન્ટ કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટથી ખેડૂતોને આવકનો નવો વિકલ્પ મળવાની સાથે સ્થાનિક સ્તરે 200થી 250 લોકોને રોજગારી મળવાની આશા છે. રાજ્યનો પ્રથમ, દેશનો બીજો Bio-CBG પ્લાન્ટ
સંચાલકોના દાવા મુજબ, ડ્રાય ડાયજેસ્ટર ટેકનોલોજી આધારિત નેપિયર ઘાસનો ઉપયોગ કરતો આ ગુજરાતનો પ્રથમ અને દેશનો બીજો પ્લાન્ટ હશે. Bio-CBGનો દેશનો પ્રથમ પ્લાન્ટ મહારાષ્ટ્રમાં પુણેના શિરૂરમાં 2026માં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આવો કોઈ પ્લાન્ટ દેશમાં બન્યો નથી. આથી અમરેલીના શેડુભાર ગામે બનનારો આ Bio-CBG પ્લાન્ટ દેશનો બીજો અને રાજ્યનો પ્રથમ પ્લાન્ટ બની રહેશે. દરરોજ 10 ટન Bio-CBG ઉત્પાદનનું લક્ષ્ય
શેડુભારના વતની અને હાલમાં અમદાવાદમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા જતીન મનસુખભાઈ ગજેરા દ્વારા પોતાના ગામમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, પ્લાન્ટમાં દરરોજ 10 ટન Bio-CBG ગેસનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવશે. પ્લાન્ટમાં નેપિયર ઘાસ ઉપરાંત ઘઉં અને ચણાની પરાળ, કપાસ અને એરંડાના સાઠી તથા તુવેરના અવશેષો જેવા કૃષિ કચરાનો ઉપયોગ થશે. ગેસ ઉત્પાદન માટે ડ્રાય ડાયજેસ્ટર ટેકનોલોજી અપનાવવામાં આવી છે, જેની મશીનરી ફિનલેન્ડથી લાવવામાં આવી છે. પ્લાન્ટમાં તૈયાર થનારો ગેસ રાજ્ય સરકારને આપવાનું આયોજન છે, ત્યારબાદ તેનું વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે. 1000 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર
પ્લાન્ટ માટે સતત કાચો માલ ઉપલબ્ધ રહે તે હેતુથી આસપાસના ખેડૂતોને નેપિયર ઘાસની ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા ખેડૂતો દ્વારા અંદાજે 1000 વીઘા જમીનમાં ઘાસનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં શેડુભાર ગામમાં આશરે 700 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર થઈ ચૂક્યું હોવાનું જણાવાયું છે. નેપિયર ઘાસની ખાસિયત એ છે કે એકવાર વાવેતર કર્યા બાદ યોગ્ય પાણી અને ખેતીની વ્યવસ્થા સાથે આઠથી નવ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે. વર્ષ દરમિયાન ચારથી પાંચ વખત તેની કાપણી પણ કરી શકાય છે. કંપની દ્વારા ખેડૂતો સાથે કરાર કરીને ઘાસની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત ઘાસની કાપણીથી લઈને પ્લાન્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરવાની યોજના છે. ખેડૂતોને ઓછી ખર્ચાળ ખેતીનો વિકલ્પ મળશે
શેડુભારના ખેડૂત મહેન્દ્રભાઈ મોહનભાઈ વૈષ્ણવે પોતાની 20 વીઘા જમીનમાં, જ્યારે ચેતન જયરામભાઈ ગજેરાએ 10 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર કર્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, શરૂઆતના વાવેતર માટે વીઘે અંદાજે ₹1500થી ₹2000નો ખર્ચ થઈ શકે છે. જોકે, કંપની દ્વારા ખેડૂતોને વાવેતર માટે બિયારણ વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, શરૂઆતના વાવેતર બાદ નેપિયર ઘાસની ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચ પ્રમાણમાં ઓછો રહે છે. કંપની સાથે ખરીદીના કરાર થવાથી ઘાસના વેચાણ માટે બજાર શોધવાની મુશ્કેલી પણ ઓછી થશે. આમ, પરંપરાગત ખેતીની સાથે ખેડૂતોને આવકનો વધારાનો સ્ત્રોત મળી શકે છે. પ્લાન્ટના અવશેષોમાંથી જૈવિક ખાતર બનાવાશે
Bio-CBG ગેસના ઉત્પાદન બાદ બચતા ઘન અવશેષોમાંથી ઓર્ગેનિક ખાતર તૈયાર કરવાની પણ યોજના છે. કંપની દ્વારા આ ખાતર ખેડૂતોને રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેનાથી ખેડૂતોને જૈવિક ખાતરનો વિકલ્પ મળશે અને રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે. પ્રોજેક્ટના સંચાલક જતીન ગજેરાના જણાવ્યા મુજબ, કૃષિ અવશેષોનો ઉપયોગ કરીને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાની સાથે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું પણ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. સ્થાનિક 200થી 250 લોકોને રોજગારીની આશા
શેડુભાર ગામના રહેવાસી વિઠ્ઠલ ગજેરાના જણાવ્યા મુજબ, ગામમાં આ પ્રોજેક્ટ શરૂ થવાથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. પ્લાન્ટના નિર્માણ અને સંચાલન ઉપરાંત નેપિયર ઘાસની ખેતી, કાપણી અને પરિવહન જેવી કામગીરીમાં પણ લોકોને રોજગારી મળી શકશે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોના અંદાજ મુજબ, શેડુભાર અને આસપાસનાં ગામોના 200થી 250 લોકોને રોજગારી મળવાની શક્યતા છે. જોકે, વાસ્તવિક રોજગારીની સંખ્યા પ્લાન્ટ શરૂ થયા બાદ તેની કામગીરી અને જરૂરિયાતો પર નિર્ભર રહેશે.
ગ્રીન એનર્જી સાથે ખેતીને જોડવાનો પ્રયાસ
શેડુભાર ગામમાં નિર્માણ પામી રહેલો આ પ્લાન્ટ ગ્રીન એનર્જી અને કૃષિ ક્ષેત્રને એકસાથે જોડવાની પહેલ છે. એક તરફ ખેતીના અવશેષોમાંથી Bio-CBG ગેસનું ઉત્પાદન થશે, તો બીજી તરફ નેપિયર ઘાસની ખેતીથી ખેડૂતોને આવકનો નવો વિકલ્પ મળશે. સાથે જ ગેસ ઉત્પાદન બાદ મળતા અવશેષોમાંથી જૈવિક ખાતર તૈયાર થવાથી તેનો ખેતીમાં પણ ઉપયોગ થઈ શકશે. હાલમાં પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને આગામી આઠ મહિનામાં તેને કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે. પ્લાન્ટ શરૂ થયા બાદ તેની ઉત્પાદન ક્ષમતા, ખેડૂતોને મળતું વળતર અને સ્થાનિક રોજગારીની તકોના આધારે આ પ્રોજેક્ટની વાસ્તવિક સફળતા નક્કી થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *